કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા

Karnataka Political News : કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘રાજ્યની કોંગ્રેસમાં કોઈપણ પ્રકારની ખેંચતાણ અને વિવાદ નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.
કર્ણાટક કોંગ્રેસમાં મોટું પરિવર્તન થવાની અટકળો
કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ‘નવેમ્બર મહિનામાં ક્રાંતિ’ થવાની અને ધારાસભ્યોની દિલ્હી મુલાકાતને લઈ જાતભાતની અટકળો વહેતી થઈ હતી, ત્યારે આ મામલે શિવકુમારે (DK Shivakumar) સોશિયલ મીડિયા એક્સ પર સંપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘તમામ 140 ધારાસભ્યો મારા જ ધારાસભ્યો છે. ગ્રૂપ બનાવવાની આદત મારા લોહીમાં નથી. મુખ્યમંત્રી અને મેં હંમેશા કહ્યું છે કે, અમે હાઈકમાન્ડના નિર્ણય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.’
ધારાસભ્યને દિલ્હી મુલાકાત અંગે શિવકુમારે શું કહ્યું?
તેમણે એમ પણ કહ્યું છે કે, ‘જો કેટલાક ધારાસભ્યોએ દિલ્હી મુલાકાત કરી હોય તો તે કોઈ રાજકીય દબાણના કે પછી પક્ષ તોડવાના સંકેત નથી. આવી મુલાકાતો સંભવિત મંત્રીમંડળના વિસ્તરણ પહેલાની સામાન્ય રાજકીય મુલાકાત છે. મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે કે, તેઓ મંત્રીમંડળમાં ફેરફાર કરશે. મંત્રી બનવાનો તમામનો અધિકાર છે, તેથી ધારાસભ્યોની ટોચના લોકો સાથેની મુલાકાત સમાન્ય વાત છે. અમે કોઈને પણ અટકાવી ન શકીએ.’
આ પણ વાંચો : હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ
CM સિદ્ધારમૈયાને શિવકુમારનું સમર્થન
શિવકુમારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)ને સંપૂર્ણ સમર્થન આપતા કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું અને આપણે બધા મળીને તેમની સાથે કામ કરીશું.’ ઉલ્લેખનીય છે કે, કર્ણાટક કોંગ્રેસ સરકારના ઘણા ધારાસભ્યો શિવકુમારના સમર્થનમાં આ સપ્તાહે અચાનક દિલ્હી ગયા હતા. ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ છે કે, રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તન કરવાના પ્રયાસોની તૈયારીઓ ચાલી રહી છે. કેટલાક નેતાઓએ દિલ્હી મુલાકાતને ‘નવેમ્બર રિવૉલ્યૂશન’ નામ આપ્યું છે. ત્યારબાદ આ તમામ ઘટનાક્રમ ધ્યાને આવતા શિવકુમારે તમામ દાવાઓને રદીયો આપી સ્પષ્ટ કરી છે.

