હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન
(AI IMAGE) |
Samosa and Jalebi are as harmful as cigarettes: હવે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના પેકેટની જેમ વોર્નિંગ લેબલ જોવા મળી શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર જેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને 'ઓઈલ એન્ડ સુગર બોર્ડ' લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સમોસા અને જલેબીના પેકિંગ પર વોર્નિંગ લેબલ પણ લગાવવામાં આવી શકે છે. આ લેબલ જોતા જ ધ્યાનમાં આવે એવા કલરનું હશે અને તેમાં દરરોજ ખવાતી વિવિધ ચીજવસ્તુમાં કેટલી ફેટ અને સુગર છે તેની માહિતી હશે.
નાગપુરની કેન્ટીનમાં અને જાહેર સ્થળોએ વોર્નિંગ બોર્ડ લગાવવાની તૈયારી
AIIMS નાગપુરના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને ઓર્ડર મળ્યો છે અને કેન્ટીન અને જાહેર સ્થળોએ આ બોર્ડ લગાવવાની તૈયારી ચાલુ કરી દેવાઈ છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખના ડૉક્ટરએ જણાવ્યું હતું કે, 'આ ખાદ્ય પદાર્થોના લેબલિંગની શરૂઆત છે, જે સિગારેટ પરની ચેતવણીઓ જેટલી જ મહત્ત્વપૂર્ણ હશે. અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે સુગર અને ટ્રાન્સ ફેટ નવી તમાકુ જ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.'
ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે
સરકારી પત્રમાં કેટલાક ભયાનક આંકડા આપવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે 2050 સુધીમાં, 44.9 કરોડથી વધુ ભારતીયો કાં તો વધુ વજનવાળા અથવા મેદસ્વી હશે. આનાથી ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતા ધરાવતા લોકોનું કેન્દ્ર બનશે. શહેરોમાં પહેલાથી જ દર પાંચ પુખ્ત વયના લોકોમાંથી એક વ્યક્તિ વધુ વજન ધરાવતો હોય છે. બાળકોમાં સ્થૂળતાની વધતી જતી સમસ્યા પણ ચિંતાનો વિષય છે, જેનું કારણ ખરાબ ખાવાની આદતો અને બેઠાડુ જીવનશૈલી છે.
આ નિર્ણય બાબતે ડૉક્ટરનું કહેવું છે કે આ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની વાત નથી. પરંતુ જો લોકોને ખબર પડે કે ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ હોઈ શકે છે, તો તેઓ ફરીથી તે ખાતા પહેલા કદાચ બે વાર વિચાર કરશે.