બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય
Election Commission of India News : બિહાર પછી ચૂંટણી પંચ (EC) હવે દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત મતદાર યાદીની સંપૂર્ણ તપાસ અને અપડેટ કરવામાં આવે છે. આ કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ શકે છે.
ચૂંટણી પંચે તમામ રાજ્યોમાં તેની ચૂંટણી મશીનરી સક્રિય કરી છે. પંચનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા 10 જુલાઈએ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલુ રાખવાની પરવાનગી પર આવ્યો હતો. કોર્ટે તેને બંધારણીય ગણાવ્યું હતું.
જોકે, ઘણા વિપક્ષી પક્ષો અને લોકો આ સુધારાની વિરુદ્ધ છે. તેમણે તેને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો છે. એવો દાવો કરવામાં આવ્યોછે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને કારણે, લાયક નાગરિકો તેમના મતદાન અધિકારોથી વંચિત રહેશે.
ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા અનુસાર, ચૂંટણી સત્તામંડળ 28 જુલાઈ પછી SIR પર અંતિમ નિર્ણય લેશે કારણ કે બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો કેસ ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે.
તે જ સમયે, કેટલાક રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ પણ તેમના રાજ્યોમાં અગાઉના SIR પછી પ્રકાશિત મતદાર યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે.