સમય રૈનાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: દિવ્યાંગો પર વિવાદિત ટિપ્પણી મામલે નોંધાયેલી તમામ FIR રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Samay Raina Supreme Court Case : સુપ્રીમ કોર્ટે શુક્રવારે યુટ્યુબર-કોમેડિયન સમય રૈના અને અન્ય ચાર કોમેડિયન્સ સામે 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' (India's Got Latent) શો દરમિયાન દિવ્યાંગજનો પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને દાખલ કરાયેલા તમામ ફોજદારી કેસોને રદ કરી દીધા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે આ આદેશ આપ્યો છે. સમય રૈના ઉપરાંત વિપુલ ગોયાલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર ઉર્ફે સોનાલી આદિત્ય દેસાઈ અને નિશાંત જગદીશ તંવરને આ કેસમાં મોટી રાહત મળી છે.
કોર્ટે કોમેડિયન્સના સકારાત્મક પ્રયાસોની કરી પ્રશંસા
સુપ્રીમ કોર્ટે દિવ્યાંગજનોના કલ્યાણ માટે ચેસ ટુર્નામેન્ટ અને અન્ય ફંડ રેઝિંગ શોનું આયોજન કરવાના કોમેડિયન્સના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બેન્ચે અવલોકન કર્યું હતું કે, "એકવાર વાસ્તવિક પ્રયાસો થાય, તો સકારાત્મક પરિણામો મળવા જ સ્વાભાવિક છે. તેઓ ખૂબ જ હોશિયાર યુવાનો છે અને જો તેઓ સકારાત્મક દિશામાં કામ કરી રહ્યા છે, તો તેનું ચોક્કસ ઉત્તમ પરિણામ આવશે." કોર્ટે સ્પષ્ટ કર્યું કે સમય રૈના સહિતના પાંચેય પ્રતિવાદીઓ સામેની ફોજદારી કાર્યવાહી હવે બંધ કરવામાં આવે છે.
શું હતો સમગ્ર વિવાદ?
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના એક વિવાદાસ્પદ એપિસોડમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ 'ક્યોર એસએમએ ઇન્ડિયા ફાઉન્ડેશન' નામના એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી(SMA)ની સારવારના ઊંચા ખર્ચ અને દિવ્યાંગજનોની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અગાઉ કોર્ટે આ કલાકારોને દિવ્યાંગોના સમર્થનમાં ફંડ એકત્ર કરવાના કાર્યક્રમો યોજવા નિર્દેશ આપ્યો હતો. જેનું પાલન થતાં અને પક્ષકારો વચ્ચે સકારાત્મક વાતચીત આગળ વધતા કોર્ટે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જો કે, ઓનલાઇન કન્ટેન્ટ પર વધુ સારા નિયંત્રણો લાવવા અને યોગ્ય દિશાનિર્દેશો નક્કી કરવા માટે આ મામલે આગળ સુનાવણી ચાલુ રહેશે.









