Get The App

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ 1 - image


Maharashtra Political News : મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં મોટી તિરાડ પડી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી), શરદ પવારની NCPSP, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના આ ગઠબંધનના બે મુખ્ય સાથી પક્ષોએ BMC સહિત રાજ્યની તમામ ચૂંટણીઓ એકલા હાથે લડવાનો નિર્ણય જાહેર કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

BMCની ચૂંટણીમાં અમે 150 બેઠકો પર લડીશું : સમાજવાદી પાર્ટી

આજે સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ અઘાડીથી અલગ થવાનો મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સપાના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીએ જાહેરાત કરી કે, તેમની પાર્ટી BMC ચૂંટણીમાં 150 બેઠકો પર લડશે. તેમણે કહ્યું કે, સમગ્ર મહારાષ્ટ્રમાં જ્યાં પણ ચૂંટણી યોજાશે, ત્યાં સમાજવાદી પાર્ટી હવે એકલા હાથે જ ચૂંટણી લડશે. સપાનો આ નિર્ણય મહાવિકાસ અઘાડી માટે વધુ એક ઝટકો છે.

અગાઉ કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

તા.10 નવેમ્બરના રોજ, કોંગ્રેસે પણ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શરદ પવાર (Sharad Pawar)ને મોટો આંચકો આપ્યો હતો. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે નાગપુરમાં સત્તાવાર જાહેરાત કરી હતી કે, BMCની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. તેમણે જણાવ્યું કે, હાઈકમાન્ડે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની મંજૂરી આપી હતી, જેના આધારે મુંબઈ કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો છે. કોંગ્રેસની મુંબઈ એકમે 6 નવેમ્બરે જ ઉમેદવારોની અરજી મંગાવી હતી, જેમાં 1150થી વધુ અરજીઓ આવી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડના નેતૃત્વમાં 227 વોર્ડ માટે પ્રભારીઓની નિમણૂક કરીને ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો : ‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત

કોંગ્રેસ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર : ઉદ્ધવ ઠાકરે

કોંગ્રેસના આ નિર્ણય બાદ, 16 નવેમ્બરે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પણ સ્વતંત્ર છે અને તેમની પાર્ટી પણ સ્વતંત્ર છે. ઠાકરેએ સ્પષ્ટતા કરી કે, ‘કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી છે, તેઓ પોતાના નિર્ણયો લેવા માટે આઝાદ છે. મારી પાર્ટી પણ સંપૂર્ણ સ્વતંત્ર છે. કોંગ્રેસને જે રીતે ચૂંટણી લડવી હોય તે રીતે લડે, તે તેમનો નિર્ણય છે અને તેમની જેમ અમારી પાર્ટી પણ પોતાના નિર્ણયો પોતે જ લેશે.’

મહાવિકાસ અઘાડીના ભવિષ્ય પર ખતરો

મહાવિકાસ અઘાડી (MVA)ના મુખ્ય પક્ષોએ એકલા હાથે ચૂંટણી લડવાના જે સંકેતો આપ્યા છે, તેના કારણે ગઠબંધનના ભવિષ્ય પર મોટો સવાલ ઊભો થયો છે. સપા અને કોંગ્રેસ દ્વારા અલગ થવાના નિર્ણયો અને ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાની છૂટના કારણે MVAમાં આંતરિક 'ડખાં' સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ 'તિરાડ' જો સમયસર પૂરવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીઓમાં ગઠબંધનને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ભાજપ અને શિંદે જૂથ જેવા હરીફો મહારાષ્ટ્રની સત્તાની લડાઈમાં આ અવ્યવસ્થાનો પૂરો લાભ લઈ શકે છે, જેના કારણે MVA માટે તાકાત જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો : ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

Tags :