ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત
S. Jaishankar On India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આજે શનિવારે (10 મે, 2025) બંને દેશોએ યુદ્ધ વિરામમાં સહમતિ દર્શાવી છે. આગામી 12 મેના રોજ બંને દેશો ફરી એક વખત આ મામલે વાતચીત કરશે. જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3:35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5:00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'ભારત અને પાકિસ્તાને આજે ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ દાખવી છે. ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે.'
અમેરિકાની મધ્યસ્થતાથી યુદ્ધ વિરામ થયું, ટ્રમ્પનો દાવો
ઓપરેશન સિંદૂર બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધ વિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના.'