ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: 'કચ્છમાં આજે રાત્રે બ્લેકઆઉટ કરવાનું રહેતું નથી', કલેક્ટર આપી અપડેટ
Kutch News : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી છે, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ગુજરાતના કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ઍલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા અને સ્વયંભૂ બ્લેકઆઉટની અપીલ કરી હતી. જ્યારે હવે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થતાં જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે, 'આજે રાત્રે બ્લેકઆઉટની આપેલ સૂચનાનો અમલ કરવાનો રહેતો નથી.'
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવ્યું હતું. જ્યારે હવે શનિવારે (10 મે, 2025) ભારત અને પાકિસ્તાન બંને દેશોએ યુદ્ધવિરામમાં સહમતિ દર્શાવી છે અને બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3:35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5:00 કલાકથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે, ત્યારે હવે જિલ્લામાં બ્લેકઆઉટ અંગે કલેક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો આજે રાત્રે નાગરિકોએ અમલ કરવાનો રહેતો નથી.
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિમાં કચ્છ જિલ્લાના તમામ ખમીરવંતા નાગરિકો, સામાજિક અગ્રણીઓ, NGO, પદ્દાધિકારીઓ તથા મીડિયાકર્મીઓ સહિત તમામ દ્વારા ખભે ખભો મિલાવીને આપેલ સાથ સહકાર બદલ જિલ્લા વહીવટી તંત્ર આભાર વ્યક્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
જમ્મી કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. જેમાં ગુરુવારે (8 મે, 2025) મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે 10 મેના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ અંગે જાણકારી આપી હતી.