સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા
S Jaishankar on Donald Trump: ભારત-અમેરિકા સંબંધો પર મોદી અને ટ્રમ્પના નવા નિવેદનો વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને અમેરિકાના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 'મિત્ર' કહીને સંબોધ્યું હતું. ટ્રમ્પના આ નિવેદન પર વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેમને ભારત અને અમેરિકાના 'ખાસ સંબંધો' વિશે ટ્રમ્પે જે કહ્યું તે ખૂબ ગમ્યું.
ભારત-અમેરિકા સંબંધો પર પીએમ મોદીનું નિવેદન
થોડા દિવસ પહેલાં, ટ્રમ્પ એવું કહીને ચર્ચામાં આવ્યા હતા કે અમેરિકાએ 'ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.' પરંતુ તેમના નવા નિવેદન પર પીએમ મોદીએ લખ્યું, 'અમે ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધો વિશેના તેમના સકારાત્મક વિચારોની ખૂબ પ્રશંસા કરીએ છીએ અને તેને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.'
જયશંકરે ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા
આ જ વાતને આગળ વધારતાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી અમેરિકા સાથેની ભાગીદારીને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યાં સુધી ટ્રમ્પનો સવાલ છે, પીએમ મોદીના તેમની સાથે હંમેશા અંગત સંબંધો રહ્યા છે. હકીકત એ છે કે ભારત સતત અમેરિકા સાથે સંપર્કમાં છે અને જોડાયેલું છે.'
આ ઘટનાઓ ત્યારે બની રહી છે જ્યારે ગયા મહિને ટ્રમ્પ સરકારે ભારત પર 50% ટેરિફ લગાવી દીધો હતો. ત્યારથી અમેરિકન પ્રમુખ સતત ભારતની ટીકા કરી રહ્યા છે, ખાસ કરીને રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે.
SCO સંમેલન અને 'નવી તસવીર'
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળ્યા. આ તસવીરો જોઈને વિશ્લેષકોએ એવી અટકળો લગાવી કે ભારત ચીન-રશિયાના જૂથ તરફ ઢળી રહ્યું છે.
આ સંદર્ભમાં, ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું કે, 'કદાચ અમે ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.' જોકે, થોડા સમય બાદ તેમણે સ્પષ્ટતા કરી કે, 'હું હંમેશા મોદીનો મિત્ર રહીશ. ભારત અને અમેરિકા વચ્ચે ખાસ સંબંધો છે, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.'