Get The App

જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું 1 - image


Hazratbal Dargah: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે રોષે ભરાયેલી ભીડે તોડફોડ કરી હતી. આ ભીડનો આક્રોશ દરગાહની અંદર સ્થાપિત શિલાલેખ પર રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ અંકિત હોવાના કારણે હતો. લોકો શિલાલેખ પરથી અશોક સ્તંભને એકેશ્વરવાદ અને ઈસ્લામની ભાવનાની વિરુદ્ધ ગણાવતા તેને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર વક્ફ બોર્ડના અધ્યક્ષ દરખ્શાં આંદ્રાબીએ તોડફોડ કરનારાઓ સામે FIR દાખલ કરી છે અને PSA હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો

વક્ફ બોર્ડના અધ્યક્ષે આ સમગ્ર વિવાદ માટે શાસક નેશનલ કોન્ફરન્સને જવાબદાર ઠેરવી છે. તેમણે એમ પણ કહ્યું કે, જો FIR દાખલ કરીને કાર્યવાહી કરવામાં ન આવે તો હું ભૂખ હડતાળ પર ઉતરી જઈશ. આંદ્રાબીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ આતંકવાદી હુમલો છે અને હુમલાખોરો એક રાજકીય પક્ષના ગુંડા છે. આ લોકોએ પહેલા પણ કાશ્મીરને બરબાદ કર્યું હતું અને હવે તેઓ દરગાહ શરીફની અંદર આવી ગયા છે.

ડૉ. દરખ્શાં આંદ્રાબીએ આગળ જણાવ્યું કે, ટોળાએ સંચાલક પર પણ હુમલો કર્યો હતો. તેઓ માંડ માંડ બચી ગયા. દરગાહની ગરિમાને ઠેસ પહોંચી છે અને આ કૃત્ય કરનારાઓની ઓળખ થતાં જ તેમને દરગાહમાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે પણ આ સમગ્ર ઘટના પર નિવેદન આપ્યું છે. 

PSAનો ઉપયોગ ઘા પર મીઠું ભભરાવવા જેવું

શ્રીનગરના નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાષ્ટ્રીય ચિહ્ન વિવાદ અંગે પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, હઝરતબલમાં ભક્તિ નહીં પરંતુ ઘમંડનું પ્રદર્શન છે. એક પવિત્ર સ્થળને કાયદેસરતા માટે કોઈ શિલાલેખની જરૂર નથી. નેશનલ કોન્ફરન્સના સાંસદે લોકોની નારાજગીને વાજબી ઠેરવતા કહ્યું કે, હઝરતબલમાં પહેલા પણ પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ ક્રેડિટ માટે આવી યુક્તિનો ઉપયોગ ક્યારેય કરવામાં નથી આવ્યો. તેમણે કહ્યું કે PSAનો ઉપયોગ ઘા પર મીઠું ભભરાવવા જેવું હશે.  

બીજી તરફ સજ્જાદ લોનની આગેવાની હેઠળની જમ્મુ-કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે દરગાહનો જીર્ણોદ્ધાર એક સ્વાગતપાત્ર પગલું છે, તેને રાજકારણથી ઉપર રાખવું જોઈએ. આ પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય ચિહ્નનું સરકારી કચેરીઓમાં યોગ્ય સ્થાન છે, ઓકાફના મેનેજમેન્ટ વાળા ધાર્મિક સ્થળોમાં નહીં. બોર્ડ કે પથ્થર પર બિનજરૂરી વિવાદ ઊભો કરવાને બદલે આપણા પવિત્ર વારસાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બંધારણ પર સીધો હુમલો

પીપુલ્સ કોન્ફરન્સ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, હઝરતબલ ઘટનાને થોડા દિવસો પહેલા સીએમ ઓમર અબ્દુલ્લાને રોકવાની પ્રતિક્રિયા તરીકે ન જોવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી શેષપાલ વૈદે હઝરતબલ દરગાહમાં રાષ્ટ્રીય ચિહ્નના અપમાનને ગુનાહિત કૃત્ય ગણાવતા કહ્યું કે, તે બંધારણ પર સીધો હુમલો છે.


તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. ભૂતપૂર્વ ડીજીપીએ કટ્ટરપંથીઓને સાઉદી અરેબિયાના લોકો પાસેથી રાષ્ટ્રીય ચિહ્નોનું સન્માન કરતા શીખવાની સલાહ આપી અને નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિક પર પણ નિશાન સાધ્યું. તેમણે તનવીરને વિચારપૂર્વક પગલાં લેવાની સલાહ આપી અને કહ્યું કે રાષ્ટ્રીય ચિહ્ન બંધારણનો એક ભાગ છે.

આ પણ વાંચો: હવે કેવી રીતે થશે શાંતિ મંત્રણા? ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું

ઈસ્લામની ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક હટાવવાની માગ

પૂર્વ ડીજીપીએ કહ્યું કે, તમે (તનવીર સાદિક) જે પૈસાનો ઉપયોગ કરો છો તેના પર પણ આ છે. આ કોઈ મૂર્તિ પૂજા નથી. ઉલ્લેખનીય છે કે દરગાહ હઝરતબલના પુનર્નિર્માણ પછી એક દિવસ પહેલા જ ડૉ. દરખ્શાં આંદ્રાબીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ માટે દરગાહમાં જે શિલાલેખ લગાવવામાં આવ્યો હતો તેના પર અશોક સ્તંભ પણ અંકિત હતો. લોકો તેને ઈસ્લામની ભાવના વિરુદ્ધ ગણાવતા તેને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા.

Tags :