રશિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ Su-57 ભારતમાં બનશે? પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું
Russia Deadliest Su-57 5th Generation Fighter Jet: ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ Su-57ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ નિર્ણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના F-35 ફાઈટર જેટ વેચવા માંગતા હતા.
ભારતમાં રશિયાનું સુખોઈ Su-57 ફાઈટર જેટ બનશે?
ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ સ્કવોડ્રન પાંચમી પેઢીના ફાઈટર જેટની જરૂર છે. આ પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જે પહેલાથી જ નાસિકમાં Su-30 MKI નું નિર્માણ કરે છે. આ પગલું ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને અમેરિકાની F-35 વેચવાની યોજના પર સીધી અસર કરશે.
રોકાણ અને ખર્ચ પર વિચારણા
રશિયન એજન્સીઓ હાલમાં એ વાતનું મૂલ્યાંકન કરી રહી છે કે ભારતમાં Su-57નું ઉત્પાદન કરવા માટે કેટલું મોટું રોકાણ કરવું પડશે. જો આ પ્રોજેક્ટ શરૂ થશે, તો તેના બે ફાયદા થશે. એક તો ભારતને વિશ્વના સૌથી આધુનિક ફાઈટર જેટ મળશે અન બીજું એ કે આ વિમાનોનો ખર્ચ પણ ઓછો થશે, કારણ કે તેનું નિર્માણ અહીં જ થશે. ભારતમાં પહેલેથી જ ઘણી ફેક્ટરીઓ છે જે રશિયા દ્વારા બનાવેલા લશ્કરી ઉપકરણો તૈયાર કરે છે. તેમનો ઉપયોગ Su-57ના ઉત્પાદન માટે પણ કરી શકાય છે.
અમેરિકાની ચિંતા: F-35 પર સંકટ
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી તણાવ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઘણા ક્ષેત્રો પર ટેરિફ લગાવ્યા છે અને F-35 ફાઈટર જેટ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે, જો ભારત અને રશિયા Su-57નું ઉત્પાદન સાથે મળીને કરશે, તો તે અમેરિકાની F-35 વેચવાની યોજનાને નિષ્ફળ બનાવશે. આ પગલું સ્પષ્ટ દર્શાવશે કે ભારત પોતાની સુરક્ષા માટે રશિયા સાથે ગાઢ ભાગીદારી જાળવી રાખવા માંગે છે.
S-400, S-500 અને હવે Su-57
ભારતે તાજેતરના વર્ષોમાં રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને હવે તેણે S-500માં પણ રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે આની સાથે જ ભારત Su-57ને પણ પોતાની વાયુસેનાનો ભાગ બનાવે. રસપ્રદ વાત એ છે કે ભારત પહેલા પણ રશિયાના ફિફ્થ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ (FGFA) પ્રોગ્રામનો ભાગ રહી ચૂક્યું છે. જોકે, ટેક્નિકલ અને નાણાકીય મતભેદોને કારણે ભારતે આ પ્રોજેક્ટથી બહાર નીકળી ગયું હતું. જોકે, વર્તમાન વૈશ્વિક તણાવ અને ભારત-અમેરિકાના સંબંધોને કારણે આ પ્રોજેક્ટ ફરીથી ચર્ચામાં આવ્યો છે.
ભારતનો પોતાનો ફાઈટર પ્લાન
રશિયા સાથેની આ સંભવિત ડીલ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત પોતાનું સ્વદેશી પાંચમી પેઢીનું લડાકુ વિમાન પણ વિકસાવી રહ્યું છે, જેનું પ્રથમ પરીક્ષણ 2028માં અને વાયુસેનામાં સમાવેશ 2035 સુધીમાં થવાની અપેક્ષા છે. આથી, આગામી દસ વર્ષ ભારત માટે નિર્ણાયક છે, કારણ કે આ સમયગાળામાં જરૂરિયાત પૂરી કરવા માટે તેને એક મોટા ભાગીદારની જરૂર પડશે, નહીં તો વાયુસેનામાં મોટી કમી આવી શકે છે.
ભારત માટે એક મોટી તક
- જો Su-57નું ઉત્પાદન ભારતમાં થાય તો તેના ઘણા ફાયદા થશે.
- ભારતને અત્યાધુનિક સ્ટેલ્થ ફાઈટર જેટ્સ મળશે.
- સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં મોટા પાયે રોજગારી ઊભી થશે.
- ભારત રશિયા સાથેની સંરક્ષણ ભાગીદારીને વધુ ઊંડી કરશે.
- અમેરિકાના દબાણ અને શરતોથી બચીને પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખશે.