Get The App

ટેરિફથી કોઈને ફાયદો નહીં, ફક્ત પ્રેશર ઊભું કરવાનો પ્રયાસઃ ટ્રમ્પની ધમકી મુદ્દે ચીનનો જવાબ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફથી કોઈને ફાયદો નહીં, ફક્ત પ્રેશર ઊભું કરવાનો પ્રયાસઃ ટ્રમ્પની ધમકી મુદ્દે ચીનનો જવાબ 1 - image


China responded to Trump's threat : બ્રાઝિલમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં સામેલ દેશોએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા અને ટેરિફને લઈને અમેરિકાની ટીકા કરી હતી. ત્યાર પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા વિરોધી નીતિનું સમર્થન કરાનારા બ્રિક્સ દેશો પર 10 ટકા વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. હવે આ મુદ્દે ચીને પણ પ્રતિક્રિયા આપી છે. બ્રિક્સ દેશો પર 10 ટકા વધુ ટેરિફ લગાવાની ટ્રમ્પની ધમકીની ચીને ટીકા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'ટેરિફથી કોઈને પણ લાભ થતો નથી. આ ફક્ત અન્ય દેશો પર દબાણ કરવાનો પ્રયાસ છે.'

ટ્રમ્પની ટેરિફ ધમકી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, ‘જે કોઈ દેશ BRICSની 'અમેરિકા વિરોધી નીતિઓ' સાથે જોડાશે તેની પાસેથી વધુ 10 ટકા ટેરિફ વસૂલાશે.’ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ વાત લખી છે. ટ્રમ્પે લખ્યું હતું કે, 'જે પણ દેશ BRICSની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાનો 10 ટકા ટેરિફ વસૂલાશે. આ નીતિમાં કોઈ દેશ અપવાદ નહીં હોય. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!'

'9 જુલાઈ પછી વૈશ્વિક ટેરિફમાંથી કોઈ રાહત મળશે નહીં'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ સ્થગિત કરવા માટે નક્કી કરાયેલી સમયમર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. આનાથી વિશ્વભરના દેશોની ચિંતા વધી ગઈ છે. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે, '9 જુલાઈ પછી વૈશ્વિક ટેરિફમાંથી કોઈ રાહત મળશે નહીં. આ પછી તેઓ મોટાભાગના દેશો પર ટેરિફ પર 90 દિવસનો પ્રતિબંધ લંબાવવાની યોજના બનાવી રહ્યા નથી. તેમણે 10-12 દેશોને નવા ટેરિફ લાદવા અંગે જાણ કરવા માટે પત્રો પર હસ્તાક્ષર કર્યા છે, જે સોમવારે મોકલવામાં આવશે.'

આ પણ વાંચો: જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના પર 10% વધુ ટેરિફ ઝીંકીશ, ભારત સહિતના દેશોને ટ્રમ્પની ચેતવણી

ઉલ્લેખનીય છે કે, આ વખતે બ્રિક્સ સંમેલનનું આયોજન બ્રાઝિલે કર્યું હતું. જેમાં જૂના 5 દેશો જેવા કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા નવા અન્ય દેશોમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ અને ઇન્ડોનેશિયાએ ભાગ લીધો હતો. બ્રાઝિલે 1 જાન્યુઆરી 2025એ બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી હતી. જેમાં આ વખતેની થીમ સમાવેશી અને ટકાઉ વૈશ્વિક શાસન માટે ગ્લોબલ સાઉથનો સહયોગ મજબૂત કરવાનો હતો. 


Tags :