મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RSS Farmer Union: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ખેડૂત સંગઠને ભારતીય કિસાન સંઘની કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવા પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું કહેવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને લાંબા ગાળે ભારતની આયાત પર નિર્ભરતા વધશે. RSS સંલગ્ન સંગઠન દ્વારા આ સંદર્ભે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખવામાં આવ્યો છે. કિસાન સંઘે પોતાના પત્રમાં કહ્યું છે કે, ભારતમાં વાર્ષિક 320 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્થાનિક માંગ 391 લાખ ગાંસડીની જ છે. કપાસની એક ગાંસડીમાં 170 કિલોગ્રામ કપાસ હોય છે.
'ભારત દર વર્ષે માત્ર 60થી 70 લાખ ગાંસડી આયાત કરે છે'
ભારત દર વર્ષે માત્ર 60થી 70 લાખ ગાંસડી આયાત કરે છે. એટલે તેનો મતલબ એ થયો કે, ભારતમાં વપરાતાં કુલ કપાસના લગભગ 12 ટકા બહારથી આવે છે. ભારતીય કિસાન સંઘે કહ્યું કે, 'જો આપણે આયાત પર મુક્તિ આપતાં રહીશું, તો આગામી થોડા વર્ષોમાં ભારત કપાસનો નિકાસકાર બનવાને બદલે મોટો આયાતકાર બની જશે.'
'ભારત નિકાસકારને બદલે આયાતકાર દેશ બની જશે'
ખેડૂત સંગઠને કહ્યું કે, આ વર્ષે કપાસના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ 3.2 ટકા ઘટ્યો છે. ભારતીય કિસાન સંઘે કહ્યું, 'જો સ્થાનિક કપાસના બિયારણની ઉપલબ્ધતા નહીં વધે, તો ભારત નિકાસકારને બદલે આયાતકાર દેશ બની જશે.'
આ પણ વાંચો: 37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં
ભારતીય કિસાન સંઘે કહ્યું કે ,કપાસની કિંમત પહેલેથી જ 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને 6000 રૂપિયા થઈ ગઈ છે. જો કરમુક્ત આયાત ચાલુ રહેશે તો હજુ પણ ભાવ વધુ નીચે આવી શકે છે. તેમજ 'જો વિદેશથી કપાસ 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે આવે છે, તો પછી કોઈ તેને ભારતીય ખેડૂતો પાસેથી 5000 ક્વિન્ટલના ભાવે કેમ ખરીદશે?'
'સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ'
ઉલ્લેખનીય છે કે, અગાઉ નાણા મંત્રાલયે 11 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસની આયાત પર છૂટ આપી હતી. હવે તેને વર્ષના અંત સુધી લંબાવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી મોહન મિત્રાનું કહેવું છે કે, સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. જો સરકાર આ રીતે આયાત પર સબસિડી આપતી રહેશે, તો આગામી સમયમાં ભારત વિદેશી કપાસ માટે સારું બજાર બનશે. પરંતુ આપણે સ્વદેશી સ્તરે કપાસના ઉત્પાદનમાં પાછળ રહી જઈશું.








