India

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકના મૈસુરુમાં 'સામાજિક સમરસતા' વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી
(IMAGE - IANS)

RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં 'સામાજિક સમરસતા' વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

પોતાની વાતને મજબૂત કરવા તેમણે વર્ષ 1942માં મહારાષ્ટ્રમાં થયેલા એક આંતરજ્ઞાતિય લગ્નનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લગ્નનું મહત્ત્વ એ વાત પરથી સમજાય છે કે, તે સમયે દેશની બે મોટી હસ્તી—ડૉ. બી.આર. આંબેડકર અને સંઘના બીજા પ્રમુખ એમ.એસ. ગોલવલકર—બંનેએ આ નવદંપતીને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, તેમણે સામાજિક ભેદભાવ દૂર કરી સૌને એક થવાનો સંદેશ આપ્યો હતો.

જાતિવાદ અને રાજનીતિ પર પ્રહાર

પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જાતિવાદ આધારિત રાજનીતિ ત્યારે જ બંધ થશે જ્યારે સમાજ પોતે જ્ઞાતિના ભેદભાવ છોડીને એક થશે. રાજકીય નેતાઓ પણ વોટ મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ એટલે જ કરે છે કારણ કે લોકો હજુ પણ જ્ઞાતિમાં વહેંચાયેલા છે. જો નેતાઓને તેમના કામના બદલે જાતિના નામે વોટ મળતા રહેશે, તો તેઓ આ જ રસ્તો અપનાવશે. તેથી, તેમણે લોકોને સલાહ આપી કે માત્ર વાતો કરવાને બદલે પોતાના આચરણમાં એવી રીતે જીવવું જોઈએ જાણે જાતિ જેવું કશું છે જ નહીં. આ બદલાવથી જ દેશમાં સાચી સમાનતા આવી શકશે.

સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નીતિ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નિયંત્રણ જેવા કાયદાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો તેને સહકાર આપે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ દિશામાં શરૂઆત કરી છે અને ભવિષ્યમાં તે આખા દેશમાં લાગુ થઈ શકે છે, પરંતુ 142 કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશમાં આવી પ્રક્રિયામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. જનસંખ્યા નિયંત્રણ બાબતે તેમણે ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) વખતે થયેલી ભૂલો તરફ ઇશારો કરતાં કહ્યું કે, કોઈપણ નવી નીતિમાં બળજબરીને બદલે મહિલા શિક્ષણ, સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.

આ પણ વાંચો: 'વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય...', મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં

ધર્મ અને પરંપરાઓનું સમાન લક્ષ્ય

મોહન ભાગવતે સમજાવ્યું કે ભલે દરેક ધર્મના રીત-રિવાજો અને પરંપરાઓ અલગ-અલગ હોય, પણ તે બધાનો છેલ્લો રસ્તો એક જ છે અને તે છે 'સત્ય'. તેમણે હિન્દુ સમાજને શિસ્તબદ્ધ જીવન જીવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે આરએસએસ કોઈ સરકાર નથી, પણ એક સામાજિક સંસ્થા છે. તેનું કામ રાજકારણ કરવાનું નહીં, પણ લોકોને શિક્ષિત કરવાનું અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.