'વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય...', મણિશંકર અય્યર પાર્ટી પર ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Mani Shankar Aiyar Slams Congress: તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે વર્ષો જૂનું ગઠબંધન તોડીને અભિનેતા વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના આ નિર્ણયની ચારેબાજુ ટીકા થઈ રહી છે, એટલું જ નહીં પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ આ નિર્ણયથી નારાજ જોવા મળી રહ્યા છે.
મણિશંકર અય્યરનો પક્ષ પર આકરા પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની જ પાર્ટીના નિર્ણયની આકરી ટીકા કરતાં તેને ખૂબ જ ભયાનક ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસનું આ પગલું માત્ર સત્તા મેળવવા માટેની 'ઘટિયા રાજકીય તકવાદ' સિવાય બીજું કંઈ નથી. અય્યરે એવી ચેતવણી પણ આપી કે જો આ નિર્ણયને કારણે ભાજપને તમિલનાડુમાં પગપેસારો કરવાની તક મળશે, તો તે કોંગ્રેસનો પોતાના જ પગ પર કુહાડો મારવા જેવો કિસ્સો ગણાશે. તેમના મતે, જે TVK પાર્ટી સામે કોંગ્રેસે ચૂંટણી લડી હતી, તેની સાથે જ હાથ મિલાવવો એ પક્ષ માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ રાજકીય વળાંક અત્યારે રાજ્યના રાજકારણમાં ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પક્ષપલટાથી અખિલેશ નારાજ
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ કોંગ્રેસના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કોંગ્રેસને શિખામણ આપતાં કહ્યું કે મુશ્કેલ સમયમાં સાથી પક્ષનો સાથ છોડવો જોઈએ નહીં. તમિલનાડુમાં DMK સાથેનો છેડો ફાડીને કોંગ્રેસે જે રીતે પક્ષ પલટો કર્યો છે, તેનાથી વિપક્ષી ગઠબંધનની એકતા પર પણ સવાલો ઊભા થયા છે.









