જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ
Gandhinagar Court News: ગાંધીનગરથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવતાં 20 વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટમાંથી જ નાસી છુટ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સ્પેશ્યલ કોર્ટમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ દાહોદનો આરોપી ભાગી ગયો હતો.
મળતી માહિતી મુજબ આરોપી મૂળ ધોળાકુઆ ખાતે મજૂરી કરતો હતો. લાલાભાઈ રામસિંહ ડાંગી નામનો આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે 1.30 વાગ્યાના સમય દરમિયાન તેને જજ ધ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા સાંભળીને જ તે કોર્ટનો કઠગરો કૂદીને ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો.
આ પણ વાંચોઃ લો બોલો... ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી
ગત સપ્ટેમ્બર મહિનામાં એક આરોપી હથિયાર સાથે ગાંધીનગર કોર્ટ કેમ્પસમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. હાલમાં ગાંધીનગર કોર્ટમાં બંને ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત રહે છે. જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે અન્ય પોલીસ કર્મીઓ કોર્ટ સંકુલની સુરક્ષા કરે છે.
સગીરા હોવા છતાં કર્યું દુષ્કર્મ
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ કેસમાં લેટ ધ્વારા આરોપીને 20 વર્ષની કેદ અને રૂ. 30,000 ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીએ ભોગ બનનારી સગીરા જેની બનાવ સમયે ઉંમર માત્ર 15 વર્ષ અને 1 મહિનાની હતી. તે સગીર હોવાની જાણ હોવા છતાં આરોપીએ તેની મરજી વિરુધ્ધ બળજબરીથી વારંવાર સંબંધ બાંધીને બળાત્કાર કરેલો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે અને જેથી આવા ગુનાના આરોપીને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે સરકાર તરફે આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ ફટકાર્યો છે.
આરોપી લાલાભાઈ રામસિંગને વિવિધ ગુના હેઠળ ફટકારવામાં આવેલી સજા
(1) ઈ.પી.કો. કલમ- 363ના ગુના માટે 1 (એક) વર્ષની સખત કેસની સજા અને રૂ. 10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(2) ઈ.પી.કો. કલમ-366ના ગુના માટે 3 (ત્રણ) વર્ષની સખત કેસની સજા અને રૂ. 10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(3) ઈ.પી.કો. કલમ-376 અને પોક્સો એક્ટ કલમ-4 મુજબના ગુના માટે 20(વીસ) વર્ષ ની સખત કેસની સજા અને રૂ. 10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(4) સદર કામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત ભોગબનનારને રૂ. 4,00,000/-(રૂપિયા ચાર લાખ) નું વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવેલ છે.