Get The App

EDના રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ, કહ્યું - ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે મળી

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
EDના રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ, કહ્યું - ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે મળી 1 - image


DLF Land Grab Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 'રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે લીધી હતી,તેના માટે 7.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ જમીન બાદમાં રિયલ એસ્ટેટ કંપની  દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ (DLF)ને 58 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી.'

ઈડીની ચાર્જશીટમાં શું સામે આવ્યું? 

ઈડી દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અનુસાર, ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (OPPL)એ આ જમીન સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ (SLHPL)ને ચૂકવણી કર્યા વિના આપી હતી. જેથી રોબર્ટ વાડ્રા પોતાના અંગત પહોંચનો ઉપયોગ કરીને તત્કાલીન હરિયાણાના મુખ્યમંત્રી અને ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ મંત્રી ભૂપિન્દર સિંહ હુડા પાસેથી ઓપીપીએલ માટે હાઉસિંગ લાઇસન્સ મેળવી શકે. આ ઉપરાંત તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ હોવાને કારણે રોબર્ટ વાડ્રાનો  ભૂપિન્દર સિંહ હુડા પર વ્યક્તિગત પ્રભાવ હતો.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે!

આ જમીન 12મી ફેબ્રુઆરી 2008ના રોજ રજીસ્ટર કરવામાં આવી હતી, જેમાં 7.5 કરોડ રૂપિયાની ચુકવણી ચેક નંબર 607251 દ્વારા દર્શાવવામાં આવી હતી. પરંતુ આ ચેક ક્યારેય ક્લિયર થયો ન હતો. છ મહિના પછી બીજા ચેક દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. આ ચેક સ્કાયલાઇટ રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ (SLRPL)નો હતો, ખરીદનાર કંપની એસએલએચપીએલનો નહીં. એસએલએચપીએલની મૂડી માત્ર 1 લાખ રૂપિયા હતી અને એસએલઆરપીએલના ખાતામાં 7.5 કરોડ રૂપિયા નહોતા. 45 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ વાડ્રાની કંપની દ્વારા નહીં, પણ વેચનાર દ્વારા ચૂકવવામાં આવી હતી. ઈડીના મતે રજિસ્ટ્રીમાં ખોટી ચુકવણી બતાવીને સોદો બેનામી રીતે કરવામાં આવ્યો હતો.

કેરળ હાઈકોર્ટે પ્રિયંકા ગાંધીને નોટિસ ફટકારી હતી

ઈડીએ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલી ઓછામાં ઓછી ત્રણ મોંઘી મિલકતો જપ્ત કરી છે, જેનો ઉલ્લેખ પ્રિયંકા ગાંધીએ નવેમ્બર 2024માં વાયનાડથી લોકસભા ચૂંટણી દરમિયાન આપેલા સોગંદનામામાં કર્યો ન હતો. કેરળ હાઈકોર્ટે આ મામલે પ્રિયંકાને નોટિસ ફટકારી હતી.  જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ચૂંટણી સોગંદનામામાં ખોટી અથવા અધૂરી માહિતી આપવી એ ભ્રષ્ટ પ્રથા માનવામાં આવે છે, જેના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે અને જેલની સજા પણ થઈ શકે છે.

16મી જુલાઈ 2025ના રોજ ઈડીએ 37 કરોડ રૂપિયાથી વધુની મિલકતો જપ્ત કરી હતી. 17મી જુલાઈ 2025ના રોજ ગુરુગ્રામ જમીન ડીલ પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 28મી ઓગસ્ટ 2025ના રોજ ખાસ પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ કોર્ટે કેસની સુનાવણી કરશે અને આરોપો ઘડવાનો નિર્ણય લેશે. આ કેસમાં કુલ 11 આરોપીઓ છે, જેમાં રોબર્ટ વાડ્રા અને OPPL પ્રમોટરો સત્યાનંદ યાદવ અને કેવલ સિંહ વિર્કનો સમાવેશ થાય છે.

Tags :