Get The App

યાદવ પરિવારમાં ફરી ડખાં ! લાલુની રાજકીય વિરાસત તેજસ્વીને સોંપાતા રોહિણી-તેજ પ્રતાપના પ્રહાર

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
યાદવ પરિવારમાં ફરી ડખાં ! લાલુની રાજકીય વિરાસત તેજસ્વીને સોંપાતા રોહિણી-તેજ પ્રતાપના પ્રહાર 1 - image


Bihar Political News : બિહારના પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તેજસ્વી યાદવને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. લાલૂ પ્રસાદ યાદવે પોતાની રાજકીય વિરાસત સત્તાવાર રીતે પુત્રને સોંપી દીધી છે, પરંતુ આ તાજપોશીની સાથે જ લાલૂ પરિવારનો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. તેજસ્વીના અધ્યક્ષ બનતાની સાથે જ મોટી બહેન રોહિણી આચાર્ય અને ભાઈ તેજ પ્રતાપ યાદવે મોરચો ખોલતા યાદવ પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

પાર્ટીમાં તેજસ્વીનું કદ વધ્યું

પક્ષની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, તેજસ્વી યાદવને હવે RJDના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાલૂ યાદવની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયથી પાર્ટીમાં તેજસ્વીનું કદ સર્વોપરી બની ગયું છે. હવે પક્ષના તમામ નીતિવિષયક નિર્ણયોમાં તેજસ્વીની ભૂમિકા મુખ્ય રહેશે.

કઠપૂતળી બનેલા શહેજાદાને તાજપોશી મુબારક : બહેનના તેજસ્વી પર પ્રહાર

તેજસ્વીની તાજપોશી મામલે બહેન રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું છે કે, ‘રાજકારણના શિખર પુરુષ (લાલૂ યાદવ)ની ગૌરવશાળી ઈનિંગનો એક રીતે અંત આવ્યો છે. ચાપલૂસી કરનારાઓ અને ઘૂસણખોર ગેંગના હાથની કઠપૂતળી બનેલા શહેજાદાને તાજપોશી મુબારક.’ રોહિણીએ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં ઘૂસણખોરો ઘૂસી ગયા છે જેઓ લાલૂવાદને ખતમ કરવાનું ટાસ્ક લઈને આવ્યા છે અને નેતૃત્વ સવાલોથી ભાગી રહ્યું છે.

રોહિણીની વાતને તેજ પ્રતાપનું સમર્થન

ભાઈ તેજ પ્રતાપ યાદવે પણ બહેન રોહિણીના આક્રમક વલણને સમર્થન આપ્યું છે. તેજ પ્રતાપે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "રોહિણીએ જે ટ્વિટ કર્યું છે તે 100 ટકા સાચું છે. તેજસ્વીને જવાબદારી મળી છે તો તેમણે હવે તેનું પાલન કરવું જોઈએ.’ તેજ પ્રતાપના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પરિવારમાં તેજસ્વીના વધતા કદ સામે અન્ય ભાઈ-બહેનોમાં ભારે અસંતોષ છે.

બહેન મિસાએ તેજસ્વીનો કર્યો બચાવ

બીજી તરફ, સૌથી મોટી બહેન અને સાંસદ મિસા ભારતીએ તેજસ્વીના બચાવમાં ઉતરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. મિસા ભારતીએ જણાવ્યું હતું કે, ‘આ પાર્ટી અને બિહારના લોકો માટે ખુશીની વાત છે. હવે અમારી પાસે અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ બંને છે અને અમે તેજસ્વીના નેતૃત્વમાં કામ કરીશું.’ જ્યારે તેમને રોહિણીના ટ્વિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને આ વિશે કોઈ જાણકારી નથી અને તેઓ જોઈને પ્રતિક્રિયા આપશે.

આ પણ વાંચો : ચૂંટણી પ્રક્રિયાને લઈ રાષ્ટ્રપતિ મુર્મૂની દેશવાસીઓને અપીલ, જાણો શું કહ્યું

વિવાદનું કારણ

યાદવ પરિવારમાં આ વિવાદ બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJDની હાર બાદ શરૂ થયો છે. રોહિણી આચાર્ય અને તેજ પ્રતાપ સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે, હારની જવાબદારી નક્કી થવી જોઈએ. તેમનો આરોપ છે કે પાર્ટી હાઈજેક થઈ ગઈ છે અને અમુક લોકો તેજસ્વીને પોતાની મરજી મુજબ ચલાવી રહ્યા છે. હાલમાં લાલૂ પરિવાર બે જૂથમાં વહેંચાઈ ગયો છે, જેમાં એક તરફ રોહિણી અને તેજ પ્રતાપ છે, જ્યારે બીજી તરફ લાલૂ-રાબડી, તેજસ્વી અને મિસા ભારતી જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, જાણો શું કહ્યું