16th National Voters' Day : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે દિલ્હી ખાતે આયોજિત 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં નાગરિકોને સંબોધિત કરતા લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભારતીય નાગરિકો કોઈપણ પ્રકારના લોભ-લાલચ, પૂર્વગ્રહ અથવા ખોટી માહિતીથી પ્રભાવિત થયા વગર પોતાના વિવેકબુદ્ધિથી મતાધિકારનો ઉપયોગ કરશે, જેનાથી દેશની ચૂંટણી પ્રણાલી વધુ મજબૂત બનશે.
રાષ્ટ્રપતિએ મહિલા મતદારોની પ્રશંસા કરી
આ પ્રસંગે રાષ્ટ્રપતિ (President Draupadi Murmu)એ ખાસ કરીને મહિલા મતદારોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તાજેતરની ચૂંટણીઓમાં મહિલાઓ જે રીતે મોટી સંખ્યામાં મતદાન કરવા આગળ આવી રહી છે તે લોકશાહી માટે પ્રોત્સાહક છે. મતદાન એ માત્ર અધિકાર નથી પરંતુ એક મહત્વપૂર્ણ બંધારણીય ફરજ પણ છે અને દરેક નાગરિકે આ જવાબદારી પ્રત્યે સભાન રહેવું જોઈએ.’
VIDEO | Delhi: President Droupadi Murmu attends the 16th National Voters' Day celebrations. pic.twitter.com/xL5aDHwWVT
— Press Trust of India (@PTI_News) January 25, 2026
આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, જાણો શું કહ્યું
ચૂંટણી પંચ ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?
ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિવસના ઈતિહાસ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘જ્યારે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, ત્યારે તેના 16 અનુચ્છેદ તાત્કાલિક અમલમાં આવ્યા હતા. આ પૈકીનો એક અનુચ્છેદ ચૂંટણી પંચની રચના અંગેનો હતો. ભારત પ્રજાસત્તાક બન્યાના એક દિવસ પૂર્વે એટલે કે 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે બંધારણનો બાકીનો ભાગ 26 જાન્યુઆરી 1950થી અમલી બન્યો હતો.’ ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 16 વર્ષથી ચૂંટણી પંચના સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત: 3 ગુજરાતીઓ સહિત 45 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન, જુઓ લિસ્ટ


