8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી... ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં
Rinku Singh UP T20 League: એશિયા કપ 2025 માટે રિન્કુ સિંહની પસંદગી થતાં જ તે ફૂલ ફોર્મમાં બેટિંગ કરતો જોવા મળ્યો છે. યુપી ટી20 લીગમાં રિન્કુના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. મેરઠ મેવરિક્સ તરફથી રમી રહેલા રિન્કુએ ગોરખપુર લાયન્સ વિરૂદ્ધ માત્ર 48 બોલમાં 108 રન ફટકાર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા.
આઠ છગ્ગા સાથે સદી ફટકારી
આ મેચમાં મેરઠ મેવરિક્સની શરૂઆત નબળી રહી હતી. 168 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમનો સ્કોર ચાર વિકેટમાં માત્ર 38 રન હતો. પરંતુ રિન્કુ પીચ પર આવતાં જ ટીમને છ વિકેટથી જીત અપાવી હતી. તેણે માત્ર 48 બોલમાં આઠ છગ્ગા સાથે સદી ફટકારી હતી. રિન્કુનું આ ઉમદા પર્ફોર્મન્સ એશિયા કપ માટે તે ફૂલ ફોર્મમાં હોવાનો સંકેત આપે છે.
સિલેક્ટર્સના વિશ્વાસ પર ખરો ઉતરશે રિન્કુ?
તાજેતરની મેચમાં રિન્કુએ કોઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું નથી. છેલ્લી 11 ઈનિંગમાં તેણે માત્ર અર્ધસદી ફટકારી હતી. આઈપીએલમાં પણ કોઈ સારૂ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. તેમ છતાં સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ વ્યક્ત કરતા તેને એશિયા કપ ટીમમાં સામેલ કર્યો છે. આ યુપી ટી20 ઈનિંગથી રિન્કુનો વિશ્વાસ પાછો ફર્યો છે.
એશિયા કપમાં બતાવો પડશે
રિન્કુ સિંહ માટે એશિયા કપ અત્યંત મહત્ત્વનો છે. છેલ્લા કેટલીક મેચમાં તે પોતાનો જાદુ ચલાવી શક્યો નથી. જેના લીધે વર્લ્ડ કપ 2024માં તે સ્થાન મેળવી શક્યો ન હતો. પરંતુ હવે 2026ના વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે એશિયા કપમાં એડીચોટીનું જોર લગાવવુ પડશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજો નિવૃત્ત થયા બાદ ટીમમાં નવા ચહેરાને તક મળશે. જેમાં રિન્કુ સિંહે પણ પોતાને સાબિત કરવા પડશે કે, તેના બેટમાં દમ છે.