Get The App

મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC 1 - image


Maharashtra Politics: મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલ દ્વારા તાજેતરમાં કરાયેલા ભૂખ હડતાળ પછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને અનામત આપવા માટે જાહેર કરાયેલા સરકારી આદેશ (GR) પર રાજકારણ ગરમાયું છે. એક તરફ રાજ્યના અન્ય પછાત વર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) જૂથોએ મરાઠા અનામત માટે હૈદરાબાદ ગઝટ પર સરકારી આદેશ જાહેર કરવા પર ચિંતા વ્યક્ત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, 'મરાઠા ક્વોટા સંબંધિત સરકારી આદેશ OBCના અધિકારોને અસર કરશે નહીં.' તેમણે એ પણ સંકેત આપ્યો છે કે આ લડાઈ આટલી જલ્દી સમાપ્ત થવાની નથી. 

શરદ પવારે મહારાષ્ટ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો

અહેવાલો અનુસાર, આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા સરકારી આદેશ પરના વિવાદો વચ્ચે મરાઠા અને OBC સમુદાયમાં સંઘર્ષ વધવાની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે મહારાષ્ટ્ર  સરકાર પર સામાજિક માળખાને નબળો પાડવા અને સમાજમાં વિભાજન વધારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, મુખ્યમંત્રી ફડણવીસે પણ મરાઠા અનામતના સંવેદનશીલ મુદ્દા પર વધતા વિભાજનને સ્વીકાર્યું અને રવિવારે બંને સમુદાયોના નેતાઓને આ મુદ્દા વિશે સાચી હકીકતો લોકો સમક્ષ રજૂ કરવા અપીલ કરી હતી.

જીઆરથી ઓબીસીના અધિકારોને અસર થશે નહીં: ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, 'મરાઠા ક્વોટા અંગે જારી કરાયેલા સરકારી આદેશ (GR) અન્ય ઓબીસીના અધિકારોને અસર કરશે નહીં અને આ શ્રેણી માટેનો લાભ બનાવટી વ્યક્તિઓને મળશે નહીં. મહારાષ્ટ્ર સરકાર ઓબીસી અને મરાઠા સહિત તમામ સમુદાયોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આ મુદ્દા પર અતિશય રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે ઓબીસી અનામત સમાપ્ત થઈ ગયું છે. આ ઓબીસી વિદ્યાર્થીઓની માનસિકતાને અસર કરી રહ્યું છે.'

આ પણ વાંચો: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ

ઓબીસી, આદિવાસી અને બંજારા સંગઠનો જીઆર પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, સરકારી આદેશ જાહેર થયાના થોડા અઠવાડિયા પછી ઘણાં  ઓબીસી, આદિવાસી અને બંજારા સંગઠનોએ સરકારને આ આદેશ પાછો ખેંચવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે. વિવિધ જાતિ જૂથોએ દલીલ કરી છે કે મરાઠા સમુદાયના સભ્યોને ઓબીસી કુણબી જાતિ પ્રમાણપત્રો મેળવવાની મંજૂરી આપવા માટે હૈદરાબાદ ગઝટ લાગુ કરવાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો પર અસર પડશે.

હવે બંજારાઓ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠા 

બંજાર સંગઠન ગોર સેનાના પ્રમુખ સંદેશ ચૌહાણે કહ્યું કે, 'અમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવ્યા હતા અને હૈદરાબાદમાં અમને અનામત મળે છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા સમાન અધિકારો અહીં પણ પુનઃસ્થાપિત થાય. ધારાશિવના 32 વર્ષીય બંજારાના સ્નાતકએ શનિવારે અનામતની માંગણી કરતા આત્મહત્યા કરી હતી અને અનુસૂચિત જનજાતિ અનામતની માંગણી પાછળ એક નોંધ છોડી દીધી હતી.' નોંધનીય છે કે, 11મી સપ્ટેમ્બરથી બંજાર સમુદાયના લોકો જાલના કલેક્ટર ઓફિસની બહાર અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠા છે, જ્યારે આ સમુદાયના વરિષ્ઠ નેતા હરિભાઉ રાઠોડે સોમવારે જાલના અને બીડમાં કૂચ કાઢવાની જાહેરાત કરી છે.

આદિવાસી બંજારા સમુદાયની માંગનો વિરોધ કરી રહ્યા છે

બીજી તરફ આદિવાસી સંગઠનોએ બંજારા સમુદાયની આ માંગનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે બંજારા સમુદાયને પહેલાથી જ વિમુક્ત જાતિ અને વિચરતી જનજાતિ (VJNT) શ્રેણી હેઠળ 3 ટકા ક્વોટાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત વિરોધના બીજા મોરચાનું નેતૃત્વ કરી રહેલા ઓબીસી કાર્યકર્તાઓ નવનાથ વાઘમારે અને સત્સુંગ મુંધેએ ચેતવણી આપી છે કે ક્વોટા વધારવાથી અન્ય પછાત વર્ગ શ્રેણીમાં પહેલાથી જ સૂચિબદ્ધ 374 જાતિઓના અધિકારો જોખમમાં મુકાશે. ઓબીસી નેતાઓએ 10મી ઓક્ટોબરે નાગપુરમાં એક વિશાળ કૂચ કાઢવાનો સંકલ્પ લીધો છે.

Tags :