કેદારનાથ જતા હેલિકોપ્ટરને વારંવાર અકસ્માતો નડી રહ્યા છે, જાણો તેની પાછળના 5 મુખ્ય કારણ

| Image Source-IANS |
Kedarnath Helicopter Crash: ઉત્તરાખંડમાં 15મી જૂનના રોજ શ્રદ્ધાળુઓને કેદારનાથ લઈને જતું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું, જેમાં બે વર્ષના બાળક સહિત સાત વ્યક્તિના મૃત્યુ થયા હતા. આર્યન એવિયેશન દ્વારા સંચાલિત હેલિકોપ્ટરે 15મી જૂને સવારે 5:20 વાગ્યે કેદારનાથથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર 15 મિનિટમાં ગુપ્તકાશી પહોંચવાનું હતું, પરંતુ એ પહેલાં જ તે ક્રેશ થઈ ગયું. મે અને જૂન વચ્ચેના માત્ર છ અઠવાડિયાના ગાળામાં ઉત્તરાખંડમાં આ પાંચમો હેલિકોપ્ટર અકસ્માત હતો. ત્યારે સવાલ એ છે કે, એવા તો ક્યા કારણો છે જેને લીધે કેદારનાથ જતાં-આવતાં હેલિકોપ્ટરો વારંવાર ક્રેશ થઈ રહ્યા છે.
1) નફો વધારવાની લ્હાય
કેદારનાથ લઈ જતી હેલિકોપ્ટર સેવામાં ખાસ્સી કમાણી હોવાથી અનેક ખાનગી કંપનીઓ આ કામમાં કૂદી પડી છે. સરકારે પણ બે-ત્રણ નહીં નવ જેટલી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગુપ્તકાશી, સિરસી અને ફાટાથી શ્રદ્ધાળુઓને કેદારનાથ લઈ જવા-લાવવા માટે ઊડાન ભરતા હેલિકોપ્ટરોને દિવસ દરમિયાન કેટલીવાર ઉડવાની મંજૂરી હોવી જોઈએ, એનોય કોઈ નિયમ નથી. ઓછા સમયમાં વધુ નફો રળી લેવાની લ્હાયમાં ખાનગી ઓપરેટરો રોજની 300 જેટલી ઉડાનો ભરે છે, જેને લીધે એર ટ્રાફિક વધે છે અને મુસાફરોની જિંદગી જોખમાય છે.
કેદારનાથ જવાની સિઝન મે અને જૂન વચ્ચે હોય છે. ચોમાસામાં વિરામ હોય છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ફરી હેલિકોપ્ટર સેવા શરૂ થાય છે. આમ, કમાણી કરવા માટે વર્ષમાં ફક્ત ચાર મહિના મળતા હોવાથી ખાનગી ઓપરેટરો બેફામ માત્રામાં હેલિકોપ્ટર ઉડાવ્યે રાખે છે. ઉડાન ભરવા માટે દરેક ઓપરેટર પાસે પોતાનું ખાનગી હેલિપેડ હોવાથી પણ કોઈ મર્યાદા જાળવ્યા વિના હેલિકોપ્ટર સર્વિસ ચાલ્યા કરે છે.
આ પણ વાંચો: ખામેનેઈની સત્તાના પાયા હલાવી નાંખીશું: હોસ્પિટલ પર હુમલા બાદ ભડક્યું ઈઝરાયલ
2) કોઈ નીતિનિયનું પાલન કરતું નથી
15મી જૂને બનેલી દુર્ઘટના બદલ આર્યન એવિયેશનના બે મેનેજરો પર ગુનાઈત હત્યાનો આરોપ મૂકાયો છે કારણ કે, એ હેલિકોપ્ટરે સમય કરતાં લગભગ 50 મિનિટ પહેલા ઉડાન ભરી હતી. એ અકસ્માત પછી બે વાર એવું બન્યું કે હવામાન સાફ ન હોવા છતાં હેલિકોપ્ટરે ઉડાન ભરી હોય. આમ કરનાર બંને પાઈલટ્સના લાઈસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરાય છે. અહેવાલો છે કે, હાલમાં જે 300 જેટલી ઉડાન ભરાય છે એને અડધી કરીને 150 કરી દેવાશે. આમ કરી દેવાતાં ઓપરેટરો ભાડું વધારી દેશે, જેને લીધે યાત્રાળુઓના બજેટને ફટકો પડશે. હાલમાં કેદારનાથ જવા-આવવાનું હેલિકોપ્ટર ભાડું પ્રતિ વ્યક્તિ 6600 રૂપિયા છે.
3) ખરાબ હવામાન જીવલેણ નીવડે છે
કેદારનાથ મંદિરથી એક કિલોમીટર કરતા પણ ઓછા અંતરે આવેલું કેદારનાથ હેલિપેડ સમુદ્ર સપાટીથી લગભગ 11,000 ફૂટ ઊંચે આવેલું છે, જ્યાં હવા પાતળી હોય છે. હેલિકોપ્ટર જે ઊંચાઈએ ઉડે છે ત્યાં હવામાનમાં ઝડપથી ફેરફાર થતા હોય છે. રવિવારે (15મી જૂન) થયેલા અકસ્માતની તપાસમાં જાણવા મળ્યું છે કે, વાદળછાયા વાતાવરણમાં દૂરનું જોવું મુશ્કેલ હોવા છતાં એ હેલિકોપ્ટરને ઉડાન ભરવા દેવાઈ હતી. ઓક્ટોબર 2022માં પણ આર્યન એવિયેશનનું હેલિકોપ્ટર એ જ રૂટ પર ક્રેશ થયું હતું, અને એમાં સવાર સાતેય લોકોના મોત થયા હતા. હવામાનની તાજી જાણકારી હેલિકોપ્ટરના ચાલકે સમયસર મળતી ન હોવાથી, ચાલકે પોતે જ પોતાની સૂઝબૂઝ અને અનુમાનને આધારે હેલિકોપ્ટર ઉડાડવું પડે છે, જે ઘણીવાર આવા જીવલેણ અકસ્માતમાં પરિણમે છે.
4) માળખાગત સુવિધાઓનો અભાવ
કેદારનાથ રૂટ પર સેંકડો હેલિકોપ્ટર કાર્યરત હોવા છતાં આવા અકસ્માતો માટેના સંવેદનશીલ પર્વતીય વિસ્તારોમાં એર ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ જ નથી, જેને લીધે હવાઈ ટ્રાફિકને નિયંત્રિત કરી શકાતો નથી. હેલિકોપ્ટરના પાઈલટ્સને હવામાનની સચોટ જાણકારી આપવા માટે કેદારનાથમાં કોઈ સ્થાનિક હવામાન સ્ટેશન પણ નથી. 250 કિ.મી. દૂર દહેરાદૂનમાંથી જ કેદારનાથના હેલિકોપ્ટર ચાલકોને હવામાનની માહિતી આપવામાં આવે છે, જેને લીધે સ્થાનિક હવામાનમાં થતો અચાનક ફેરફાર સમયસર પારખવો શક્ય બનતો નથી. જરૂરી સંદેશા વ્યવહારના આધારે પાઈલોટે જ હેલિકોપ્ટરની દિશા નક્કી કરવી પડે છે.
5) દરેક ઓપરેટર પોતાની રીતે કામ કરે છે
કેદારનાથ રૂટ પર જતી-આવતી હેલિકોપ્ટર ફ્લાઈટ સેવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ખાનગી ઓપરેટરની હોય છે. ‘ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ડૅવલપમેન્ટ ઓથોરિટી’ (UCADA) દ્વારા ઉડાનોના સલામત સંચાલન માટેની જવાબદારી કોઈને સોંપાઈ ન હોવાથી દરેક ઓપરેટર પોતાની મરજી મુજબ કામ કરે છે. કર્મચારીઓની ભરતી, સંચાલન અને અગ્નિશામક સાધનોની ખરીદી જેવા સલામતી સંબંધિત મુદ્દે પણ ખાનગી ઓપરેટરો મુનસફી પ્રમાણે વર્તે છે.

