| (AI IMAGE) |
Gig Workers Nationwide Strike: નવા વર્ષની પૂર્વસંધ્યાએ જ્યારે આખું વિશ્વ 31 ડિસેમ્બરની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે ભારતના લાખો ડિલિવરી પાર્ટનર્સે પોતાની વિવિધ માંગણીઓને લઈને રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ આંદોલનને કારણે દેશની મોટી ડિલિવરી એપ્સ સાથે જોડાયેલા એજન્ટોએ આજે સામૂહિક રીતે લોગ-ઈન 'ઓફ' રાખવાનો નિર્ણય લીધો છે, જેના પગલે ઓનલાઈન ફૂડ અને કરિયાણું (ગ્રોસરી) મંગાવતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હડતાળને કારણે ઓર્ડર કેન્સલ થવા અથવા ડિલિવરીમાં લાંબો વિલંબ થવાની પૂરી શક્યતા છે, જેની સીધી અસર નવા વર્ષની ઉજવણીના આયોજનો પર પડી શકે છે.
સેલિબ્રિટીઝની જાહેરાતો સામે વિરોધ
ડિલિવરી પાર્ટનર્સના સંગઠનોમાં ખાસ કરીને પ્રખ્યાત સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવતી લોભામણી જાહેરાતો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુનિયનોનું કહેવું છે કે, 'બે દિવસ કામ કરીને હજારો રૂપિયા કમાઓ' જેવી જાહેરાતો વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આ જાહેરાતો કામના કલાકો અને અલ્ગોરિધમના દબાણને છુપાવે છે, જે કામદારોમાં અસંતોષનું મુખ્ય કારણ બન્યું છે.
હડતાળ પાછળના મુખ્ય કારણો અને માંગણીઓ:
ગિગ વર્કર્સના સંગઠન 'ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ'(IFAT)ના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
- 10 મિનિટ ડિલિવરી મોડલ પર રોક: વર્કર્સનું કહેવું છે કે 10-20 મિનિટમાં ડિલિવરી કરવાનું દબાણ જીવલેણ સાબિત થાય છે, જેનાથી અકસ્માતો અને માનસિક તણાવ વધે છે.
- યોગ્ય વેતન અને સુરક્ષા: પ્રતિ ઓર્ડર મળતી કમાણીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઇંધણ અને અન્ય ખર્ચ વધ્યા છે. કામદારો સામાજિક સુરક્ષા અને વીમાની માંગ કરી રહ્યા છે.
- ID બ્લોકિંગ અને શોષણ: કંપનીઓ દ્વારા મનસ્વી રીતે વર્કર્સના આઈડી બ્લોક કરવા અને અલ્ગોરિધમ આધારિત દંડ આપવાના નિયમોનો સખત વિરોધ થઈ રહ્યો છે.
- ઇન્સેન્ટિવના નિયમો: ઇન્સેન્ટિવ મેળવવા માટે કામદારોએ 10 કલાકથી પણ વધુ સમય કામ કરવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
આ પણ વાંચો: દેશના સૌથી સ્વચ્છ શહેરનું પાણી 'ઝેરીલું'! 3ના મોત અને 100થી વધુ લોકો હોસ્પિટલ ભેગા
સરકાર પાસે હસ્તક્ષેપની માંગ
IFATના રાષ્ટ્રીય મહાસચિવ શેખ સલાઉદ્દીને આ હડતાળને શોષણ સામેના સન્માનની લડાઈ ગણાવી છે. બીજી તરફ, 'ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસીસ વર્કર્સ યુનિયન'(GIPSWU)એ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. યુનિયનનું કહેવું છે કે જો આ કામદારોનું શોષણ ચાલુ રહેશે તો ભારતની આર્થિક વૃદ્ધિ પર પણ ખતરો આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 25 ડિસેમ્બરે પણ આવી જ હડતાળને કારણે ડિલિવરી સેવાઓ 50-60% સુધી પ્રભાવિત થઈ હતી, પરંતુ કંપનીઓ તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આજે ફરી દેશભરના વર્કર્સ રસ્તા પર ઉતર્યા છે.


