8 દિવસ બાદ જેલમુક્ત... CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જામીન: દિલ્હી પોલીસને ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sourav Das And Ashutosh Ranka Bail : કોકરોચ જનતા પાર્ટી(CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને આખરે કોર્ટે જામીન આપી દીધા છે, જેથી તેઓ જેલમાંથી મુક્ત થયા છે. દિલ્હી પોલીસે બંનેની કસ્ટડી વધુ 3 દિવસ વધારવા માટે કોર્ટ સમક્ષ માગણી કરી હતી, જેને અદાલતે સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. બંને નેતાઓ છેલ્લા 8 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં હતા. તેમની વર્તમાન કસ્ટડી મુદત પૂર્ણ થતાં જ બંનેને સુનાવણી અર્થે SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રાહત મળી છે.
સીધા હાઇકોર્ટ પહોંચવા બદલ અદાલતે લગાવી ફટકાર
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બંને અરજદારોના વલણ સામે વારંવાર સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે પૂછ્યું હતું કે, જ્યારે કાયદા હેઠળ અપીલ અને અન્ય વૈકલ્પિક કાનૂની માર્ગો પહેલેથી ઉપલબ્ધ છે, તો પછી અરજદારો સીધા જ બંધારણના આર્ટિકલ 226 હેઠળ હાઇકોર્ટ કેમ આવ્યા. આ ઉપરાંત કોર્ટે બોન્ડની શરતોના ભંગ, જામીનદારોને નકારવા તેમજ મેજિસ્ટ્રેટની સત્તા સાથે સંકળાયેલા કાનૂની પાસાઓ અંગે પણ કડક સવાલો પૂછ્યા હતા.
ઉંમરને લઈને કોર્ટની ટિપ્પણી: 'તમે Gen Z નથી'
સુનાવણી દરમિયાન કોર્ટે બંને નેતાઓની ઉંમર અંગે પણ પૂછપરછ કરી હતી. વકીલે જણાવ્યું કે સૌરવ દાસની ઉંમર 27 વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર 31 વર્ષ છે, જેના પર કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેઓ 'Gen Z' ની શ્રેણીમાં આવતા નથી. કોર્ટે એ પણ સવાલ કર્યો કે કઈ ઉંમરના લોકો મિલેનિયલ્સ ગણાય છે. અદાલતે નોંધ્યું કે પ્રદર્શનમાં બાળકો પણ સામેલ હતા, પરંતુ હવે સમગ્ર મામલો બીજો જ વળાંક લઈ ચૂક્યો છે. લોકો એ જ છે પરંતુ મુદ્દો બદલાઈ ગયો છે.
કનોટ પ્લેસ પોલીસ મથકે નોંધાયેલા ગંભીર ગુના
બંને નેતાઓ સામે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 223A, 332 અને 61(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કલમો સરકારી આદેશનું પાલન ન કરવા, ગુનો આચરવાના ઇરાદે કોઈ પરિસરમાં અનધિકૃત પ્રવેશ કરવા તેમજ ગુનાહિત ષડયંત્ર રચવા સાથે સંકળાયેલી છે.
સંસદ માર્ગ પોલીસ મથકે સરકારી ફરજમાં રુકાવટનો કેસ
બીજી તરફ, સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી બીજી FIRમાં કલમ 221, 115(2), 132, 121(1) અને 3(5) લગાવવામાં આવી છે. આ જોગવાઈઓ જાહેર સેવકની કાયદેસર ફરજમાં અડચણ ઊભી કરવા, ઈજા પહોંચાડવા, ફરજ પર તહેનાત કર્મચારી પર હુમલો કે બળપ્રયોગ કરવા તેમજ સામાન્ય ઇરાદો રાખીને ગુનો કરવાના આરોપો હેઠળ લાગુ કરવામાં આવે છે.




