જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં તણાયા, નેટવર્ક પણ ઠપ
Jammu Kashmir-Himachal Weather: જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. જેના કારણે જમ્મુમાં 115 વર્ષ જૂનો વરસાદનો રૅકોર્ડ તૂટી ગયો છે, જ્યારે હિમાચલના ચંબા, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં રસ્તાઓ અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે.
જમ્મુમાં રૅકોર્ડબ્રેક વરસાદ
જમ્મુમાં 24 કલાકમાં 380 મીમી વરસાદ પડ્યો, જેણે 115 વર્ષ જૂનો રૅકોર્ડ તોડી નાખ્યો. વર્ષ 1910 પછી આ સૌથી ભારે વરસાદ છે, જેણે 1988ના 270.4 મીમીના રૅકોર્ડને પાછળ છોડ્યો છે. તાવી નદી 34 ફૂટ (ખતરાનું નિશાન 14 ફૂટ) અને ચિનાબ નદી 49 ફૂટ (ખતરાનું નિશાન 35 ફૂટ) સુધી ઊછળી. કઠુઆમાં રાવી નદી સિવાય હવે મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી નીચે છે.
હિમાચલમાં રસ્તા અને ફોન સેવાઓ બંધ
હિમાચલમાં ચંબા, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં ત્રણ દિવસથી રસ્તાઓ અને ફોન નેટવર્ક બંધ છે. બિયાસ નદીમાં પૂર આવવાથી રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા છે. ચંબાના ભરમૌરમાં મણિમહેશ યાત્રાના હજારો શ્રદ્ધાળુઓ અને લાહૌલમાં પ્રવાસીઓ-ટ્રક ડ્રાઇવરો ફસાયા છે. કટરામાં માતા વૈષ્ણોદેવીની યાત્રા અટકાવી દેવાઈ છે.
વાદળ ફાટવાની ઘટનાઓ
જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડ, ડોડા અને કટરામાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ. ઉધમપુરમાં 12 કલાકમાં 540 મીમી વરસાદ પડ્યો, જેણે બધા રૅકોર્ડ તોડ્યા. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ જખેની અને ચેના ક્ષતિગ્રસ્ત થવાથી બંધ છે. સિન્થન રોડ પણ બંધ છે, જ્યારે મુગલ રોડ પર સાવચેતી સાથે વાહનવ્યવહાર ચાલુ છે.
આ પણ વાંચો: ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થિજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી
રાહત અને બચાવ કાર્ય
ભારતીય સેના, NDRF, SDRF, CRPF, પોલીસ અને સ્થાનિક લોકો રાહત કાર્યોમાં લાગેલા છે. લગભગ 4000 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ ફસાયેલા પ્રવાસીઓ માટે જમ્મુથી દિલ્હી માટે 28મી ઑગસ્ટના રોજ સવારે 11:30 વાગ્યે એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવી.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે 29મી ઑગસ્ટથી 4થી સપ્ટેમ્બર સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. કાશ્મીરમાં પૂરનો ખતરો ઓછો છે, પરંતુ જમ્મુમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઇન 112 ડાયલ કરી શકો છો.