'રામાયણ' અને 'મહાભારતે' દૂરદર્શનને TRP રેસમાં બનાવી દીધુ નંબર વન
નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર
લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારત દર્શાવવાનો નિર્ણય સુપરહીટ પૂરવાર થયો છે.
આ બંને સિરિયલના કારણે દૂરદર્શનની ટીઆરપી આસમાનને સ્પર્શી રહી છે. દેશમાં જોવાતી બીજી મનોરંજક ચેનલોની સામે દૂરદર્શન નંબર વન પર પહોંચી ગયુ છે. આ પહેલા મનોરંજક ચેનલોના લિસ્ટમાં દૂરદર્શન ટોપ 10માં પણ સામેલ નહોતુ.
રેટિંગ એજન્સી BARC દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે 2020ના વર્ષના તેરમા સપ્તાહમાં દુરદર્શને એક સપ્તાહમાં 156.48 કરોડની ઈમ્પ્રેશન નોંધાવી છે. બીજી ચેનલો દૂરદર્શનની આસપાસ ક્યાં પણ નથી.
દૂરદર્શન પર જ્યારે પહેલી વખત આ બંને સિરિયલો પ્રસારિત થઈ ત્યારે પણ તેની લોકપ્રિયતા આકાશને આંબતી હતી.જોકે તે વખતે ખાનગી મનોરંજન ચેનલોનો રાફડો નહોતો ફાટ્યો. જોકે હવે ગળાકાપ સ્પર્ધા વચ્ચે પણ રામાયણ અને મહાભારત શોની જ લોકોમાં ભારે બોલબાલા જોવા મળી રહી છે.