India

રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
અયોધ્યા રામ મંદિરના દાન ચોરી કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. SBI, કેનરા બેંક, બેંક ઓફ બરોડા સહિત 6-7 બેંકોને નોટિસ ફટકારી રેકોર્ડ મંગાવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના ખાતા, લોકર અને શંકાસ્પદ વ્યવહારોની વિગતો તપાસવામાં આવી રહી છે. SBIના 2 કર્મચારીઓ રત્નેશ અને ગગનદીપ સહિત 6 આઉટસોર્સિંગ કર્મચારીઓની ભૂમિકા શંકાના દાયરામાં છે. પોલીસ બેંક મેનેજરનું નિવેદન પણ નોંધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ

Ayodhya Ram Mandir Donation Theft : અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલામાં હવે પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે. આ કેસની આંચ હવે બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ છે, જેમાં પોલીસે મોટું પગલું ભરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કેનરા બેંક અને બેંક ઓફ બરોડા સહિત આશરે 6થી 7 બેંકોને નોટિસ ફટકારી છે.

બેંકો પાસેથી રેકોર્ડ મંગાવાયા
પોલીસે આ બેંકો પાસે રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા ખાતાઓ, લોકર અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના તમામ રેકોર્ડ માંગ્યા છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, દાનમાં આવેલી રકમ ક્યાં-ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ લેવડદેવડના આધારે પૈસાની હેરફેરનો આખો રૂટ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

બેંક કર્મચારીઓ પણ રડારમાં
આ મામલે માત્ર ટ્રસ્ટ જ નહીં પરંતુ શંકાસ્પદ લોકોના બેન્કિંગ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસને આશંકા છે કે બેંક વિગતો સામે આવ્યા બાદ ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. હાલમાં દાનની ગણતરી અને કેશ હેન્ડલિંગ સાથે જોડાયેલા સ્ટાફ અને બેંક કર્મચારીઓની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

SBI શાખાના કર્મચારીઓની સંડોવણી?
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે SBI ની શાખા સાથે જોડાયેલા 2 કર્મચારીઓ રત્નેશ અને ગગનદીપ પણ તપાસના દાયરામાં છે, જેઓ બેંકના પેરોલ પર કામ કરે છે. તેમની નીચે કામ કરતા 6 આઉટસોર્સિંગ કર્મચારીઓની પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. આ કર્મચારીઓની જવાબદારી દાનના પૈસા ગણવાની અને તેને સુરક્ષિત રીતે બેંક સુધી પહોંચાડવાની હતી.

પોલીસે બેંકની મુલાકાત લીધી
અયોધ્યા પોલીસની એક ટીમ તાજેતરમાં જ SBIની નયા ઘાટ શાખા પર પહોંચી હતી, જ્યાં રામ મંદિર ટ્રસ્ટનું મુખ્ય બેંક ખાતું આવેલું છે. પોલીસે ત્યાંના સ્ટાફની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ હવે બેંક મેનેજરની પણ પૂછપરછ કરીને તેમનું નિવેદન નોંધશે. આ તપાસમાં બેંકના જૂના રેકોર્ડ, CCTV ફૂટેજ અને કેશ મૂવમેન્ટના દસ્તાવેજો મુખ્ય પુરાવા તરીકે સામેલ કરવામાં આવશે.