રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ
Rajyasabha MP Election: ચૂંટણી પંચે ગઈકાલે સોમવારે રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક પર ચૂંટણીથી વિપક્ષ INDIA ગઠબંધનની તાકાતમાં વધારો થઈ શકે છે. રાજ્યસભાની આ ચૂંટણી 19 જૂને યોજાશે. જેમાં તમિલનાડુની છ બેઠકો અને આસામની બે બઠકો પર મતદાન થશે. આ બેઠકો રાજ્યસભાના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા હોવાથી ખાલી થવાની છે.
તમિલનાડુના છ સાંસદો જુલાઈમાં નિવૃત્ત થશે, જ્યારે આસામના બે સાંસદોનો કાર્યકાળ જૂન મહિનામાં જ સમાપ્ત થઈ રહ્યો છે. તમિલનાડુમાં જે છ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાંથી ત્રણ પર અત્યારસુધી ડીએમકેના સાંસદ હતાં. જ્યારે અન્ય ત્રણ બેઠકો પર પીએમકે, એઆઈએડીએમકે, અને એમડીએમકેના સભ્યો સાંસદ હતાં.
કોંગ્રેસની બેઠકમાં વધારો થશે
રાજ્યસભાની આ ખાલી પડેલી આઠ બેઠકો પર ચૂંટણી બાદ કોંગ્રેસની તાકાતમાં બે બઠકનો વધારો થઈ શકે છે. INDIA ગઠબંધનમાં સામેલ ડીએમકે કોંગ્રેસ સાથે સહમતિ સાધી એક બેઠક ફાળવી શકે છે. તમિલનાડુ વિધાનસભાના સમીકરણોને ધ્યાનમાં લેતાં ડીએમકેનો નંબર ત્રણથી ચાર થઈ શકે છે. જેથી વિપક્ષ INDIA ગઠબંધનના ખાતામાં વધુ એક બેઠકનો ઉમેરો થવાની શક્યતા વધી છે. આસામમાં પણ વિપક્ષના ખાતામાં એક બેઠકનો વધારો થઈ શકે છે. આસામમાં નિવૃત્ત થઈ રહેલા બે સાંસદોમાં એક ભાજપ અને એક આસામ ગણ પરિષદના છે. પરંતુ વર્તમાન રાજકીય સમીકરણોને ધ્યાનમાં લેતાં એક બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસ કે તેના સહયોગી પક્ષને મળી શકે છે.
એનડીએની બેઠક ઘટશે
આ ચૂંટણી બાદ ઉપરોક્ત સમીકરણોના આધારે બેઠક મળી તો વિપક્ષના ખાતામાં 91 બેઠક સામેલ થશે. જે હાલ 89 છે. જ્યારે એનડીએના ખાતામાં બેઠક 128થી ઘટી 126 થઈ શકે છે. હરિયાણા, દિલ્હી, અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ચૂંટણી હાર્યા બાદ આ જીત વિપક્ષ માટે રાહતના સમાચાર આપી શકે છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળ વિપક્ષના ગઠબંધનની જીત બાદ આ બીજી જીત બની શકે છે.