India

સીમાંકન બિલ અંગે અટકળો વચ્ચે રાજ્યસભામાં પેટાચૂંટણી જાહેર, મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના એંધાણ!

By GS Team
22 Oct 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના રાજીનામા બાદ ખાલી પડેલી મધ્ય પ્રદેશની રાજ્યસભા બેઠક માટે 12 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. 26 ઓક્ટોબરથી ઉમેદવારી પ્રક્રિયા શરૂ થશે. મુરુગને તમિલનાડુમાં પક્ષને મજબૂત કરવા રાજીનામું આપ્યું. સીમાંકન બિલની અટકળો વચ્ચે ભાજપ ડીએમકેનો સહયોગ મેળવી રહ્યું છે. 163 ધારાસભ્યો સાથે ભાજપ મધ્ય પ્રદેશમાં આ બેઠક સરળતાથી જીતી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બિલ અંગે અટકળો વચ્ચે રાજ્યસભામાં પેટાચૂંટણી જાહેર, મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના એંધાણ!

Rajya Sabha Bypoll on Nov 12 After L Murugan Resigns; Delimitation Bill Buzz | સંસદમાં સીમાંકન સુધારા બિલ લાવવાની અટકળો અને કેન્દ્ર સરકારના બે તૃતીયાંશ બહુમતીના ગણિત વચ્ચે રાજ્યસભામાં વધુ એક પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. મુરુગને મંત્રી પરિષદ અને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં ખાલી પડેલી બેઠક માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાંથી આવતી આ રાજ્યસભા બેઠક માટે 26 ઓક્ટોબરથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જ્યારે 12 નવેમ્બરે મતદાન અને મતગણતરી યોજાશે.

મુરુગને 2030 સુધીનો કાર્યકાળ બાકી હોવા છતાં કેમ રાજીનામું આપ્યું?

એલ. મુરુગન વર્ષ 2021થી મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા અને વર્ષ 2024માં ફરી ચૂંટાઈને આવ્યા હતા. તેમનો આ કાર્યકાળ વર્ષ 2030 માં પૂર્ણ થવાનો હતો. જોકે, દક્ષિણ ભારતમાં પક્ષના સંગઠનને મજબૂત કરવાના હેતુથી તેમણે સામે ચાલીને રાજીનામું આપ્યું હતું.

પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાનને મંત્રી પરિષદ અને રાજ્યસભાના સભ્યપદેથી મને મુક્ત કરવા વિનંતી કરી છે, કારણ કે હું તમિલનાડુ જઈને પક્ષને મજબૂત કરવા માગું છું. વડાપ્રધાનને લખેલા પત્રમાં મેં સ્પષ્ટ જણાવ્યું છે કે હું ગામડાઓ, શેરીઓ અને જમીની સ્તરે જઈને સંગઠનને ધારદાર બનાવવા અને 2029ની લોકસભા ચૂંટણી માટે જમીન તૈયાર કરવા માગું છું.

સીમાંકન સુધારા બિલ અને DMK સાથે પડદા પાછળની વાતચીત

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ સીમાંકન સુધારા બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકારે સીમાંકન બિલને સર્વસંમતિથી પસાર કરાવવા વિપક્ષનો સહયોગ માંગ્યો છે. આ અંગે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને 16 માર્ચ, 26 માર્ચ અને 12 એપ્રિલે પત્રો લખ્યા હતા તેમજ સત્ર દરમિયાન રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરી હતી.

બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા અનામત અને સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોના સંશયો દૂર કરવા ભાજપને તમિલનાડુની સત્તાધારી ડીએમકેના સમર્થનની જરૂર છે. DMK હવે ઇન્ડિયા ગઠબંધનમાં સક્રિય ન હોવાથી મુદ્દા આધારિત સમર્થન મેળવવા ભાજપના નેતાઓ પરોક્ષ રીતે સંપર્કમાં છે. ભાજપનો પ્રયાસ એ સાબિત કરવાનો છે કે સીમાંકન કે મહિલા અનામતથી તમિલનાડુ કે દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં.

મધ્ય પ્રદેશમાં ભાજપની સ્થિતિ મજબૂત: 163 ધારાસભ્યોનું સંખ્યાબળ

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 163 ધારાસભ્યોનું જંગી બહુમત છે. આ સંખ્યાબળ જોતાં ભાજપ પોતાના ઉમેદવારને કોઈપણ વિરોધ વિના સરળતાથી જીતાડી શકે તેવી સ્થિતિમાં છે. પાર્ટી આ બેઠક પર કયા નવા કેન્દ્રીય કે સ્થાનિક નેતાને ઉતારે છે તેના પર સૌની નજર છે.

યુપીમાં 8 બેઠકો ભાજપે જીતી, હવે કેબિનેટ ફેરબદલની અટકળો

તાજેતરમાં ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં ભાજપના 8 અને સમાજવાદી પાર્ટીના બે નેતાઓ રાજ્યસભાના સાંસદ બન્યા છે.

મોદી કેબિનેટમાં પણ મોટા ફેરબદલના એંધાણ

દરમિયાન, એલ. મુરુગનના રાજીનામા બાદ મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ બની છે. મંત્રી પરિષદમાંથી રાજ્યકક્ષાના મંત્રીનું રાજીનામું હોય તેવો આ ત્રીજો કિસ્સો છે. આ અગાઉ જૂનમાં જ્યોર્જ કુરિયન અને જુલાઈમાં રવનીત સિંહ બિટ્ટુએ રાજીનામું આપ્યું હતું. બીજી તરફ યુપીમાંથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને બી.એલ. વર્માને ફરી ટિકિટ આપવામાં આવી નહોતી, જોકે તેઓ હજુ મંત્રીપદે યથાવત છે.