મરાઠી ભાષા વિવાદ ઊભો કરનારા રાજ ઠાકરેની મુશ્કેલી વધી, NSA હેઠળ કાર્યવાહીની માગ
Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષાને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેના ભાષણો પરનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટના ત્રણ વરિષ્ઠ વકીલે મહારાષ્ટ્રના DGPને પત્ર લખીને રાજ ઠાકરે સામે ફરિયાદ નોંધવા અને તેમના કથિત ભડકાઉ ભાષણની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, અને તેમના 'ભડકાઉ' નિવેદનો માટે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાદવાની માંગ કરી છે.
જાણો શું છે મામલો
ડીજીપીને લખેલા પત્રમાં વકીલોએ જણાવ્યું હતું કે, 'મરાઠી રાજ્યની ભાષા છે. તેથી તે ભાષાનું સન્માન કરવું એ બધા ભારતીયોની ફરજ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ મરાઠી ન બોલતા લોકોને માર માર્યો છે અને તેમનું અપમાન કર્યું છે, જેનાથી રાજ્યમાં ગેરબંધારણીય પરિસ્થિતિ સર્જાઈ છે. તેથી, આવા કૃત્ય બદલ રાજ ઠાકરે સામે ફરિયાદ થવી જોઈએ.'
આ પણ વાંચો: હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી
રાજ ઠાગરે વીશે પત્રમાં વકીલોએ જણાવ્યું હતું કે, 'પાંચમી જુલાઈના રોજ મુંબઈના વરલીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે જે કોઈ અમારી સાથે અન્ય ભાષામાં વાત કરશે, તેને એક મિનિટમાં ચૂપ કરી દેવામાં આવશે. આ ઉપરાંત તેમણે કાર્યકરોને કહ્યું હતું કે જ્યારે તમે બીજા રાજ્યોના લોકોને માર મારશો, ત્યારે તેમને માર મારતી વખતે તેનો વીડિયો ન બનાવો. રાજ ઠાકરેનું આ નિવેદન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે ખતરનાક છે અને તે બંધારણનું ઉલ્લંઘન કરે છે.'
વકીલોએ આરોપ લગાવ્યો છે કે મરાઠી ભાષાના નામે આ હુમલાઓ રાજકીય ખારને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે ભાષાના આધારે હિંસા ફેલાવીને રાજ્યમાં સાંપ્રદાયિક અને પ્રાદેશિક વિભાજન સર્જાઈ રહ્યા છે, જે સમાજ માટે ખતરો છે.
મારપીટનો વીડિયો વાઈરલ થયો હતો
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પાંચની જુલાઈના રોજ 'આવાઝ મરાઠીચા' નામની વિજય સભાનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય રાજ્યની શાળાઓમાં ધોરણ એકથી ત્રીજી ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરવા અંગે સરકાર દ્વારા અગાઉ જારી કરાયેલા બે સરકારી આદેશોને પાછા ખેંચવાની ઉજવણી કરવાનો હતો. આ કાર્યક્રમમાં જ રાજ ઠાકરેએ મારપીટનો વીડિયો ન બનાવવાનું નિવેદન આપ્યું હતું. અગાઉ મરાઠી ન બોલવા બદલ મનસે કાર્યકરો દ્વારા એક દુકાનદારને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.