પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી
Hindu-Muslim Weddings in Pune: ધર્મના નામે વિભાજીત કરવાનાં નફરતી માહોલ વચ્ચે પુણેમાં કોમી એખલાસની મિસાલ આપતી ઘટનામાં ભારે વરસાદને લીધે હિન્દુ લગ્ન વિધિમાં વિધ્ન આવતાં મુસ્લિમ પરિવારે તેમના વલિમાના (રિસેપ્શન) સ્થળને સપ્તપદિ માટે ઓફર કર્યું હતું. આમ હવામાનમાં પલટો આવતાં આંતરધર્મિયો વચ્ચે મનમેળની અનોખી પળ નિર્માણ થઈ હતી. આવું ભારતમાં જ શક્ય છે એવું પરિવારનું કહેવું છે.
પુણેમાં કોમી એકતાની મિસાલ આપતો અનોખો
હિન્દુ પરિવારના લગ્નસ્થળે અચાનક વરસાદ પડતાં મુસ્લિમ પરિવારે ઈનડોર હોલમાં જગ્યા કરી આપી હતી. નવવઘૂના અંકલ સંજય કાવડેએ આપેલી માહિતી પ્રમાણે વરસાદના કારણે વાના વાડીમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) પાસે આવેલી અલંકારન લોનમાં હિન્દુ લગ્નવિધિ ખોરવાઈ હતી.
વલિમા બેન્ક્વીટ હોલમાં થઇ હિન્દુ લગ્નવિધિ
સંસ્કૃતિ કવાડે નામની યુવતી અને નરેન્દ્ર ગાલાંડે નામના યુવકના લગ્ન આઉટડોરમાં કરવાની તૈયારી થઈ ગઈ હતી ત્યાં ઓચિંતો ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આમંત્રિતો આમતેમ નાસવા લાગ્યા હતા. વરસાદના કારણે ખુલ્લો પ્લોટ વાપરી શકાય તેવો રહ્યો નહોતો. લોનની બાજુમાં જ એક મુસ્લિમ નિકાહનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. આ વલિમા બેન્ક્વીટ હોલમાં હતું. આ સમારોહ નિવૃત પોલીસ અધિકારી ફારુક કાઝીના પુત્ર મોહસીન અને તેની પત્ની માહીન માટે હતું.
લગ્નનું મેદાન ભીનું થઈ જતાં છેલ્લી ઘડીઓ બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ ન હોવાથી સંસ્કૃતિના પરિવારે કાઝીને વિનંતી કરી હતી કે તેમના લગ્નની વિધિ ઈનડોરમાં પાર પાડવા દેવામાં આવે. કાઝી પરિવારે એક મિનિટનો ખચકાટ અનુભવ્યા વિના પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને ઝડપથી હિન્દુ લગ્ન વિધિ માટે જગ્યા કરી આપ હતી અને તેમના મહેમાનોએ જગ્યા કરવામાં મદદ પણ કરી હતી.
એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધિ
આમ એક જ હોલમાં હિન્દુ લગ્ન વિધિ પાર પડી હતી અને મુસ્લિમ રિસેપ્શનની ઉજવણી પણ થઈ હતી. પરંપરામાં ભિન્નતા હોવા છતાં એકંદરે વાતાવરણ હુંફાળું અને પરસ્પર સન્માનનીય અને આનંદદાયી બની રહ્યું હતું. કવાડે પરિવારે કાઝી પરિવારે દાખવેલી ઉદારતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 'આ રીતે એક જ સ્ટેજ પર બે જુદા જુદા ધર્મના લોકોની લગ્ન વિધિ પાર પડે એવી એકતા જવલ્લે જ જોવા મળે છે અને આવું ભારતમાં જ શક્ય છે.
આ પણ વાંચો: વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો
આટલું જ નહીં કાઝી પરિવારની ઉદારતા તો જુઓ તેમણે કવાડે પરિવારને તેમના ભોજન સમારંભમાં આમંત્રિત કર્યા અને તેમના માટે ખાણીપીણીની વ્યવસ્થા પણ કરી આપી હતી. ફારુક કાઝીએ જણાવ્યું હતું કે કવાડેના દુ:ખને સમજીને અને પોતે પણ એક પિતા હોવાથી મદદ કરવાનું વ્યાજબી માન્યું હતું. તેમની પુત્રવઘૂને પોતાની પુત્રી સમજીને તેમણે આ સહાયતા કરી હતી.