વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો
- વક્ફ સુધારા કાયદાની બંધારણીયતા મુદ્દે ત્રણ દિવસ સુનાવણી ચાલી
- અંતિમ સુનાવણી પછી કોર્ટને કાયદો ગેરબંધારણીય લાગે તો રદ કરી શકે, વક્ફ અલ્લાહની સંપત્તિ, પાછી મેળવવી મુશ્કેલ : કેન્દ્ર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ત્રણ દિવસ સુધી ચાલેલી સુનાવણી પૂરી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે 'કોર્ટો દ્વારા વક્ફ, વક્ફ બાય યુઝર અથવા વક્ફ બાય ડીડ' જાહેર કરાયેલી સંપત્તિઓને ડી-નોટીફાઈ કરવાની સત્તા સહિતના ત્રણ મુદ્દાઓ પર તેનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો છે. સુપ્રીમમાં ગુરુવારે સુનાવણી સમયે હિન્દુઓમાં મોક્ષ, ઈસ્લામમાં વક્ફ, બધાને સ્વર્ગમાં જવું છે જેવી આધ્યાત્મિક દલીલો થઈ હતી.
દેશભરમાં મુસ્લિમોના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે વક્ફ સુધારા બિલને સંસદમાં પસાર કરાવીને કાયદો બનાવી લીધો છે. જોકે, વક્ફ સુધારા કાયદાને ગેરબંધારણીય ગણાવતા અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ત્રણ દિવસ સુધી સુનાવણી હાથ ધરી હતી, જે ગુરુવારે પૂરી થઈ ગઈ છે.
આ કાયદાને પડકારતી અરજીઓ તરફથી વરિષ્ઠ વકીલ કપીલ સિબલ, રાજીવ ધવન, હુઝેફા અહેમદી અને અભિષેક મનુ સિંઘવી જ્યારે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. આ દલીલો સાંભળ્યા પછી બેન્ચે નોંધ્યું હતું કે, બંધારણીયતાની ધારણા કાયદાની તરફેણમાં છે. આ સાથે બેન્ચે તેનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો છે.
વક્ફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ સુધારાઓનું દૃઢતાપૂર્વક સમર્થન કર્યું હતું અને કહ્યું કે, વક્ફની પ્રકૃતિ ધર્મનિરપેક્ષ અવધારણા છે. બંધારણીયતાની ધારણા તેની તરફેણમાં હોવાથી તેના પર વચગાળાનો સ્ટે મૂકી શકાય નહીં કે તેને રદ કરી શકાય નહીં. સુનાવણીના ત્રીજા દિવસે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અંતિમ સુનાવણી પછી કોર્ટને લાગે કે આ કાયદો ગેરબંધારણીય છે તો તેને રદ કરી શકે છે. કોર્ટ વચગાળાના આદેશથી કાયદાનો અમલ રોકે છે અને આ સમયમાં કોઈ સંપત્તિ વક્ફને જતી રહે છે તો તેને પાછી મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે વક્ફ અલ્લાહનું હોય છે. એક વખત જે વક્ફ થઈ જાય તેને પાછી મેળવવી મુશ્કેલ હોય છે.
તેમણે કહ્યું કે, વક્ફ બનાવવું અને વક્ફને દાન કરવું બંને અલગ બાબત છે. આ જ કારણથી વક્ફ બનાવવા માટે પાંચ વર્ષના પ્રેક્ટિસિંગ મુસ્લિમની જોગવાઈ કરાઈ છે, જેથી વક્ફનો ઉપયોગ કોઈને છેતરવા માટે કરવામાં ના આવે. આદિવાસી વિસ્તારોમાં વધતી વક્ફ સંપત્તિ અંગે તેમણે કહ્યું કે, કોઈ વ્યક્તિ આદિવાસી વિસ્તારમાં જમીન ખરીદવા માગે તો ખરીદી શકતી નથી. પરંતુ કોઈ વ્યક્તિ વક્ફ કરવા માગે તો વક્ફ કર્યા પછી મુતવલ્લી ઈચ્છે તો કરી શકે છે. આ વ્યવસ્થા એટલી ખતરનાક છે કે તેને રોકવી જરૂરી છે.
વધુમાં વક્ફ માત્ર દાન છે અને ઈસ્લામનો અનિવાર્ય ભાગ નથી તેવી તુષાર મહેતાની દલીલના જવાબમાં અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સિબલે કહ્યું કે, વક્ફ અલ્લાહને સમર્પણ છે. પરલોક માટે. તે માત્ર સમુદાય માટે દાન નથી, પરંતુ અલ્લાહ માટે સમર્પણ છે. તેનો આશય આત્મિક લાભ છે. આ દલીલ પર સીજેઆઈ ગવઈએ કહ્યું કે, હિન્દુઓમાં મોક્ષની અવધારણા છે. ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે પણ કહ્યું કે, ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વર્ગની આકાંક્ષા હોય છે. બધાને સ્વર્ગમાં જવું હોય છે.
કેન્દ્રના દાવાને પડકારતા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે, વેદો મુજબ મંદિર હિન્દુ ધર્મનો અનિવાર્ય ભાગ નથી. ત્યાં તો પ્રકૃતિની પૂજા કરવાની જોગવાઈ છે. વેદોમાં અગ્નિ, જળ, વર્ષા, પર્વત સમુદ્ર પણ દેવતા છે. સિબલે કહ્યું કે, ઈસ્લામના કેટલાક મૂળ સિદ્ધાંતો મુજબ વક્ફ ઈશ્વરને સમર્પિત કરવાનું છે. એક વખત વક્ફ હંમેશા વક્ફ રહે છે.