ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે
(IMAGE - IANS) |
IRCTC has deactivated Users ID: તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગમાં થતી ગરબડની ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ IRCTC ના 2.5 કરોડથી વધુ યુઝર્સની ID બ્લોક કરી દીધી છે. રેલવેના ડેટા એનાલિસિસમાં કેટલાક યુઝર્સની બુકિંગ પેટર્ન શંકાસ્પદ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ શંકાના આધારે જ તેમની ID બ્લોક કરવામાં આવી છે. સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.
ટ્રેનની તત્કાલ ટિકિટ મળતી ન હોવા બાબતે સંસદમાં પૂછાયો પ્રશ્ન
સાંસદ એ. ડી. સિંહે સંસદમાં આ મુદ્દે પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, 'IRCTC ના કરોડો યુઝર્સની ID શા માટે બંધ કરવામાં આવી, ટિકિટ બુકિંગમાં શા માટે સમસ્યાઓ સર્જાઈ રહી છે અને આને રોકવા માટે રેલવે શું પગલાં લઈ રહ્યું છે?'
આ પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું કે, 'ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ગેરરીતિઓ રોકવા માટે IRCTC એ તાજેતરમાં 2.5 કરોડથી વધુ યુઝર ID ડીએક્ટિવ કર્યા છે. આ યુઝર ID શંકાસ્પદ જણાયા હતા. તેમજ ભારતીય રેલવેએ કન્ફર્મ ટિકિટ બુકિંગ અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વધુ ફેરફારો કર્યા છે.'
એજન્ટ બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટ બુક કરાવતા હોવાથી સર્જાતી સમસ્યા
તત્કાલ ટિકિટ બુકિંગમાં અગાઉ અનેક સમસ્યાઓ આવતી હતી, કારણ કે આ એકાઉન્ટ્સ ડીએક્ટિવ નહોતા. ઘણીવાર એવું જોવા મળતું હતું કે તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાની થોડી જ મિનિટોમાં બધી ટિકિટો ગાયબ થઈ જતી હતી, કારણ કે એજન્ટ બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટો બુક કરી લેતા હતા, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ બુક કરાવી શકતા નહોતા. જોકે, હવે આ બદલાવ પછી રેલવે મુસાફરોને મોટી રાહત મળી છે.
રેલવેએ નિયમોમાં કર્યા આ ફેરફાર
- રેલવે ટિકિટ હવે ઓનલાઈન અથવા કમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર 'પહેલા આવો, પહેલા મેળવો' ના આધારે બુક કરી શકાય છે. આ રીતે લગભગ 89% ટિકિટ ઓનલાઈન બુક થાય છે.
- PRS કાઉન્ટર પર પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
આ પણ વાંચો: ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક
- 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ IRCTCની વેબસાઈટ કે એપ પર ફક્ત આધાર વેરિફાઈડ યુઝર્સ જ બુક કરી શકશે.
- એજન્ટને તત્કાલ બુકિંગ શરૂ થયાની પહેલી 30 મિનિટ સુધી તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી નથી.
- વેઇટિંગ લિસ્ટવાળી ટ્રેનોના સ્ટેટસ પર નિયમિત નજર રાખવામાં આવે છે. તેમજ વધારાની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલવે સ્પેશિયલ ટ્રેન પણ ચલાવે છે.
ઇમરજન્સી ક્વોટામાં પણ કર્યો ફેરફાર
ઇમરજન્સી ક્વોટા હેઠળ ટિકિટ બુકિંગ માટેના નિયમોમાં પણ સરકારે ફેરફાર કર્યો છે. પહેલા ઇમરજન્સી ક્વોટાની ટિકિટ માટે યાત્રાના દિવસે જ અરજી કરી શકાતી હતી, પરંતુ હવે 1 દિવસ પહેલા અરજી કરવી પડશે. આ ક્વોટા સાંસદો, ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ ઇમરજન્સી અને વરિષ્ઠ નાગરિકો માટે હોય છે.