ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક... 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર
Indian Railway Recruitment 2025 : ભારતીય રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે વર્ષ 2025-2026માં 50000થી વધુ ભરતી કરવાની યોજના બનાવી છે. મંત્રાલયે સત્તાવાર કહ્યું છે કે, ‘રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા નવેમ્બર-2024થી અત્યાર સુધીમાં 55,197 ખાલી જગ્યા ભરવા માટે વિવિધ સાત નોટિફિકેશન જારી કરવામાં આવ્યા છે, જેમાં 1.86 કરોડથી વધુ ઉમેદવારોની અરજીઓ આવ્યા બાદ કોમ્પ્યુટર આધારીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.’
9000થી વધુ ઉમેદવારોની નિમણૂંક કરાઈ
મંત્રાલયે કહ્યું કે, ‘આ આયોજન હેઠળ રેલવે ભરતી બોર્ડ નાણાંકીય વર્ષ 2025-26માં 50 હજારથી વધુ ઉમેદવારોની નિમણૂક કરશે. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 9000થી વધુ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે.’ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે મંત્રાલયે ઈ-કેવાયસી આધારિત આધાર પ્રમાણીકરણની પ્રક્રિયા શરૂ કર્યા બાદ ઓળખ પ્રાણિત કરવામાં 95 ટકા સફળતા મળી છે.
મહિલાઓના ઘરની પાસે જ હશે પરીક્ષા કેન્દ્ર
પીટીઆઈના અહેવાલ મુજબ, ‘પરીક્ષામાં કોપીના મામલા રોકવા માટે ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરાશે, જેમાં પરીક્ષા કેન્દ્રો પર ઝામર લગાવાશે. રેલવે ભરતી બોર્ડે મહિલાઓ અને દિવ્યાંગો સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે, તેમને ઘરની પાસે જ પરીક્ષણ કેન્દ્ર ફાળવવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2027 સુધીમાં પણ 50,000 નિમણૂંક કરવાની યોજના
રેલવે ભરતી બોર્ડે 1,08,332 ખાલી પદો પર ભરતી કરવા માટે વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 12 નોટિફિકેશન જાહેર કર્યા છે. 2026-27 સુધીમાં વધારાની 50,000 નિમણૂક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રેલવેની તાજેતરની ભરતીની વિશેષતા એ છે કે, તેઓ ભરતી પ્રક્રિયામાં સુધારો લાવવા માટે ટેકનોલોજીનો લાભ ઉઠાવી રહ્યા છે. આટલા મોટા પાયે પરીક્ષામાં પહેલી વાર ઉમેદવારોની ઓળખ પ્રમાણિત કરવા માટે e-KYC આધારિત આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 95%થી વધુ સફળતા મળી છે.
આ પણ વાંચો : ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી, જુઓ VIDEO