પહલગામ આતંકી હુમલો: 'PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે', રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi On Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આતંકી હુમલા નિંદા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જ્યારે બુધવારે (30 એપ્રિલ, 2025) કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પર નિર્ણય લીધો છે, ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'આ હુમલો ઠંડા મગજથી કરાયેલો નરસંહાર છે. આ ભારતની આત્મા પર હુમલો છે. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. સરકારે સમય બગાડવો જોઈએ નહીં. એમને એ સમજવું પડશે કે હિન્દુસ્તાન સાથે આવું ન કરવું જોઈએ. જે થયું છે તે કોઈપણ પ્રકારે સ્વીકારવામાં આવશે નહીં.'
'પ્રધાનમંત્રીએ વધુ મોડુ ન કરવું જોઈએ. દેશ જવાબો માંગે છે'
પ્રધાનમંત્રીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'આ વિકટ પરિસ્થિતિમાં વિપક્ષ સરકાર સાથે ઊભું છે. સરકારને 100 ટકા સમર્થન આપી રહ્યું છે વિપક્ષ. હવે વડાપ્રધાન મોદીએ કોઈ બાંધછોડ વગર કે કોઈપણ પ્રકારનું મોડુ કર્યા વગર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. એક્શન સાફ અને મક્કમ હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ વધુ મોડુ ન કરવું જોઈએ. દેશ જવાબો માંગે છે અને આ જવાબો નક્કર હોવા જોઈએ.'
વધુમાં તેમણે કહ્યું હતું કે, 'શહીદોના પરિવારજનોએ કહ્યું કે અમારા બાળકો શહીદ થયા અને અમને ફક્ત શહીદીનું નાટક બતાવવામાં આવી રહ્યું છે. આ બહુ ગંભીર વાત છે. આ વાત એ દર્શાવે છે કે, હવે લોકોને સરકાર પરનો ભરોસો ડગી રહ્યો છે. આટલા બધાના મોત થયા એ સ્વીકાર્ય નથી. જેમણે પર આ કર્યું છે તેમને સખત સજા મળવી જોઈએ. સરકાર સાથે વિપક્ષ છે. વડાપ્રધાન મોદીએ હવે તાત્કાલિક ધોરણે સ્પષ્ટ એક્શન લેવી જોઈએ.'