જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન, કહ્યું- 'આ પહેલું ડગલું, હવે તારીખ જણાવો'
Caste Census in India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલાથી જ મુદ્દો બનાવાય રહ્યો હતો. હવે કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના આ નિર્ણય બાદ વિપક્ષ તરફથી પણ તેને લઈને પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામતની મર્યાદા પણ હટાવીશું. અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ.'
તારીખ જણાવો કે ક્યારથી થશે જાતિ આધારિત વસ્તી ગણતરી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જાતિ આધારિત વસ્તી ગણતરીને ડિઝાઈન કરવામાં અમારું સરકારને સમર્થન છે. અમારી પાસે બિહાર અને તેલંગાણાના બે ઉદાહરણ છે, જેમાં આસમાન અને જમીનનો ફરક છે. સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની રીતો જણાવો. સરકાર તારીખ જણાવે કે ક્યારે થશે જાતિ આધારિત વસ્તી ગણતરી.
સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને જ રહીશું. 50 ટકા અનામતની જે દિવાલ છે, તે પણ તોડીને રહીશું. ખબર નહીં આવું શા માટે અચાનક 11 વર્ષ બાદ જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી દીધી. અમે ભાજપ પર તેનું પણ દબાણ કરીશું કે 50 ટકા અનામતની દિવાલ તોડવામાં આવે.
જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને અમે માત્ર દબાણ જ નહોતું કર્યું, પરંતુ સમગ્ર દેશમાં વ્યાપક કેમ્પેઈન પણ ચલાવ્યું છે, પરંતુ અચાનક તેમણે આ નિર્ણય લીધો. અમે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને એક નવી રીતે વિકાસ લાવવા ઈચ્છી છીએ.
ભલે ઓબીસી હોય, દલિત હોય અથવા આદિવાસી તેમની દેશમાં કેટલી ભાગીદારી છે આ માત્ર જાતિ આધારિત વસ્તીગણતરીથી ખબર પડશે, પરંતુ આપણ વધુ આગળ જવાનું છે. આપણે તપાસ કરવાની છે કે, દેશની સંસ્થાઓ અને પાવર સ્ટ્રક્ચરમાં આ લોકોની કેટલી ભાગીદારી છે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે, આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં અનામત લાગૂ કરવામાં આવે અને અમારી માગ છે કે સરકાર તેને તાત્કાલિક લાગૂ કરે. આ અમારું વિઝન છે, પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો, એટલા માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમને સંપૂર્ણ ટાઇમલાઈન જોઈએ કે ક્યાં સુધીમાં જાતિગત વસ્તીગણતરીનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય ડેવલોપમેન્ટ વિઝન પણ અમારી સામે રાખો.'