તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કરી દીધું, સંસદમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
Parliament Monsoon Session: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે લોકસભામાં વિપક્ષા નેતા રાહુલ ગાંધીએ પહલગામ હુમલાને ક્રૂર ગણાવતા કહ્યું કે, 'જે થયું, તે ખોટું થયું. તમામે તેની નિંદા કરી છે. અમે પહાડની જેમ સરકારની સાથે ઉભા રહ્યા.'
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમે પહલગામ હુમલા બાદ નરવાલ સાહબના ઘરે ગયા, તેમના પુત્ર નેવીમાં હતા. ઉત્તરપ્રદેશમાં પણ પીડિત પરિવારોને મળ્યા. કાશ્મીરમાં પણ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી. અમે રાજનીતિ કામથી લોકોને મળતા રહીએ છીએ. જ્યારે હાથ મિલાવો ત્યારે ખબર પડે છે કે આ ટાઈગર છે. ટાઈગરને આઝાદી આપવી પડે છે. સેનાને સંપૂર્ણ આઝાદી આપવી જોઈએ. રાજનીતિક ઇચ્છાશક્તિની જરૂર હોય છે. સેનાના ઉપયોગ માટે રાજનીતિક ઇચ્છાશક્તિ જરૂરી છે. 1971માં તત્કાલીન વડાપ્રધાને અમેરિકાની ચિંતા નહોતી કરી. એક લાખ પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું.'
સરકારે 30 મિનિટમાં જ કરી દીધું હતું સરેન્ડર: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ગઈકાલે સૈમ માનેકશૉને કોટ કરવામાં આવ્યા. ઇન્દિરાજીને સૈમ માનેકશૉએ કહ્યું કે, અમે હાલ ઓપરેશન નથી કરી શકતા. અમને છ મહિનાનો સમય આપવો જોઈએ, ઉનાળામાં કરીશું. ઇન્દિરાજીએ પૂરતો સમય આપ્યો હતો. સંરક્ષણ મંત્રીએ ગૃહમાં કહ્યું કે, અમે 1.35 વાગ્યે પાકિસ્તાનને એ જણાવ્યું કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ એસ્કેલેટરી ન હતું. હવે કોઈ એસ્કેલેશન ન હોવું જોઈએ. તમે 30 મિનિટમાં જ પાકિસ્તાનને સામે સરેન્ડર કરી દીધું. એ જણાવવામાં આવ્યું કે, તમારી પાસે લડવાની ઇચ્છાશક્તિ નથી. સરકારે પાયલટ્સના હાથપગ બાંધી રાખ્યા છે.'
દમ હોય તો વડાપ્રધાન બોલે કે ટ્રમ્પ ખોટું બોલે છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત સરકારે ભૂલ કરી છે. આપણું કોઈ સાથે યુદ્ધ થયું છે અને આપણે તેને કહીએ કે ભાઈ હવે ઠીક છે, અમે લડાઈ નથી ઈચ્છતા. અમે તમને એક થપ્પડ મારી છે, બીજી નહીં મારીએ. ભૂલ સેનાની નહીં, સરકારની હતી. ટ્રમ્પે 29 વખત કહ્યું કે, અમે યુદ્ધ અટકાવ્યું. જો દમ હોય તો વડાપ્રધાન મોદી આ ગૃહમાંથી એવું બોલી દે કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે. એક નવી વસ્તુ ચાલી છે, નવો શબ્દ ચાલ્યો છે- ન્યૂ નોર્મલ. વિદેશ મંત્રીએ તેનો ઉપયોગ કર્યો. ભાષણમાં તેમણને કહ્યું કે તમામ ઇસ્લામિક દેશોએ નિંદા કરી છે, પરંતુ એ નથી જણાવ્યું કે પહલગામ બાદ એક પણ દેશે પાકિસ્તાનની નિંદા નથી કરી. દરેક દેશે આતંકવાદની નિંદા કરી.