ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી
Rahul Gandhi Slams Election Commission: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર ફરી એકવાર મોટો આરોપ મૂક્યો છે કે, ચૂંટણી પંચ મતોની ચોરી કરાવી રહ્યું છે. અમારી પાસે નક્કર પુરાવા છે. અમે કર્ણાટકમાં આ અંગે ખુલાસો કરીશું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મતોની ચોરીમાં ચૂંટણી પંચ સામેલ છે. અને હું ગંભીરતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. હું 100 ટકા પુરાવા સાથે આ બોલી રહ્યો છું. આખા દેશને ખબર પડશે કે, ચૂંટણી પંચ મતોની ચોરી કરાવી રહ્યું છે. અને તે કોના માટે કામ કરી રહ્યું છે? ચૂંટણી પંચ ભાજપ માટે આ કામ કરી રહ્યું છે, આ ઓપન એન્ડ શટ છે, તેના પર કોઈ શંકા નથી.
અમારી પાસે જે છે તે એટમ બોમ્બઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને મધ્યપ્રદેશમાં શંકા હતી, લોકસભામાં પણ શંકા હતી. મહારાષ્ટ્રમાં અમારી આ શંકા ગાઢ બની. અમને લાગ્યું કે, રાજ્ય સ્તરે મતોની ચોરી થઈ છે. એક કરોડ મતદારો ઉમેરાયા હતા. બાદમાં અમે વિગતો મગાવી. ચૂંટણી પંચે અમારી મદદ ન કરી. તેથી અમારે વધુ ઊંડાણમાં તપાસ કરવી પડી. અમને તપાસમાં છ મહિનાનો સમય લાગ્યો. પરંતુ અમને જે મળ્યું છે તે એટમ બોમ્બ છે. જો તે ફાટશે તો ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં ક્યાંય દેખાશે નહીં.
કર્ણાટકમાં કરીશું ખુલાસો
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ કહી રહ્યો છું, ચૂંટણી પંચમાં બેસીને જે લોકો આ કામ કરી રહ્યા છે, ઉપરથી નીચે સુધી અમે કોઈને છોડીશું નહીં. કારણકે, તમે હિન્દુ્સ્તાન વિરુદ્ધ કામ કરી રહ્યા છો. આ રાષ્ટ્રદ્રોહ છે. તમે કોઈપણ હોવ, નિવૃત્ત હોવ કે પછી ક્યાંય પણ હોવ અમે તમને શોધી કાઢીશું. કર્ણાટકમાં તેનો ખુલાસો કરીશું.
ચૂંટણી પંચને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધી સહિત વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપો મૂકી રહ્યા છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ કહ્યું હતું કે, અમારી સાથે મહારાષ્ટ્ર ચૂંટણીમાં છેતરપિંડી થઈ હતી. અમે ચૂંટણી પંચને સવાલ પૂછ્યો હતો કે, મતદાર યાદી બતાવો, પરંતુ તેમણે બતાવી નહીં. વીડિયોગ્રાફી બતાવવા કહ્યું તો, વીડિયોગ્રાફીનો કાયદો જ બદલી નાખ્યો. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો આવ્યા હતા. પરંતુ ત્યાં મતો ચોરી લેવામાં આવ્યા. અમે હાલ કર્ણાટકમાં રિસર્ચ કર્યું છે. ત્યાં ભયંકર ચોરી પકડાઈ છે. અમે ચૂંટણી પંચને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવીશું કે, તેણે કેવી રીતે અને ક્યાં ચોરી કરી. અમે તેમની ગેમ સમજી ગયા છીએ. અમે એક મત વિસ્તાર પસંદ કરી ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું. અમે તેમની ચોરી કરવાની આખી સિસ્ટમ શોધી કાઢી છે કે, કેવી રીતે ચોરી કરે છે, કોણ મત આપે છે, કોણ કરે છે, નવા મતદારો કેવી રીતે બનાવે છે, વગેરે... તેમણે બિહારમાં આખી સિસ્ટમ નવી રીતે ઘડી કાઢી છે. મતદારોને દૂર કરાશે અને નવેસરથી મતદાર યાદી જાહેર કરાશે.