'RSS પ્રમુખ ભાગવતની ધરપકડનો આદેશ હતો...' માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવૃત્ત અધિકારીનો મોટો દાવો
Malegaon Blast Case: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ગુરૂવારે એનઆઈએની સ્પેશિયલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતાં. આ મામલે રિટાયર્ડ એટીએસ અધિકારી મહબૂબ મુજાવરે એક મોટો ખુલાસો કર્યો છે.
મોહન ભાગવતની ધરપકડનો આદેશ
ભૂતપૂર્વ અધિકારી મહેબૂબ મુજાવરે મીડિયાને જણાવ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટ બાદ તત્કાલીન તપાસ અધિકારી પરમવીર સિંહ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ મને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં દેશમાં ભગવા આતંકવાદના કોન્સેપ્ટને સાબિત કરવા માટે ખોટી તપાસ કરવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. મુજાવરે કહ્યું કે મેં તેનો વિરોધ કર્યો કારણ કે હું કંઈ ખોટું કરવા માંગતો ન હતો. પરંતુ મારી સામે ખોટા કેસ નોંધાયા હતા. તે તમામ કેસોમાં મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતકોને ચાર્જશીટમાં જીવિત કરવા કરાયું દબાણ
મુજાવરે કહ્યું કે તેઓએ મારા પર ચાર્જશીટમાં મૃત લોકોને જીવંત જાહેર કરવા માટે દબાણ કર્યું. જ્યારે મેં આ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તત્કાલીન IPS અધિકારી પરમવીર સિંહે મને ખોટા કેસમાં ફસાવી દીધો. તેમણે કહ્યું કે આતંકવાદ, ભલે ભગવો હોય કે લીલો, સમાજ માટે સારો નથી. મુજાવરે એમ પણ કહ્યું કે તેઓ માલેગાંવ વિસ્ફોટ કેસમાં કોર્ટના નિર્ણયથી ખુશ છે.
આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે કોર્ટે શું કહ્યું?
2008માં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કર્યા છે. કોર્ટે કહ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. માત્ર એક વાર્તાના આધારે દોષિત ઠેરવી શકાય નહીં. જસ્ટિસ લાહોટીએ પુરાવાના અભાવે સાધ્વી પ્રજ્ઞા કુમારી, કર્નલ પુરોહિત, સુધાકર ચતુર્વેદી, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માલેગાંવના ભીકુ ચોક પર 29 સપ્ટેમ્બર, 2008ના રોજ એક ટુવ્હિલરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં છ લોકોના મોત અને 101 ઘાયલ થયા હતાં. મૃતકોમાં ફરહિન ઉર્ફ શગુફ્તા શેખ લિયાકત, શેખ મુશ્તાફ યુસુફ, શેખ રફીક મુસ્તફા, ઈરફાન જિયાઉલ્લાહ ખાન, સૈયદ અઝહર સૈયદ નિસાર અને હારૂન શાહ મોહમ્મદ શાહ સામેલ હતા.