India

VIDEO: ભાજપની વોટચોરીના રસ્તા બંધ કર્યા એટલે હવે સીમાંકન પર આવી ગયા, 100% Gen-Z માને છે કે વોટચોરી થઈ: રાહુલ ગાંધી

By GS Team
28 Nov 20265 mins read
TukuTouch Logo
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે સીમાંકન બિલ 2026 મુદ્દે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલે આરોપ લગાવ્યો કે, સરકાર વોટ ચોરી છુપાવવા અને ચૂંટણીનો નકશો બદલવા આ બિલ લાવી રહી છે. તેમણે આસામ અને J&Kના ઉદાહરણ આપી, દેશને સરમુખત્યારશાહી તરફ ધકેલવાના પ્રયાસનો વિરોધ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ભાજપની વોટચોરીના રસ્તા બંધ કર્યા એટલે હવે સીમાંકન પર આવી ગયા, 100% Gen-Z માને છે કે વોટચોરી થઈ: રાહુલ ગાંધી

Rahul Gandhi Press Conference Delimitation Bill 2026: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સીમાંકન બિલ મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. શનિવારે(28 નવેમ્બર) નવી દિલ્હીના ઈન્દિરા ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલે સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, '100% Gen-Z માને છે કે વોટચોરી થઈ. સરકાર છેલ્લા 10 વર્ષથી મત ચોરીને ચૂંટણી જીતી રહી છે. અમે તે રસ્તો બંધ કરી દીધો છે, તેથી તેમણે એક નવી યોજના બનાવી. તેઓ એક નવો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ ચૂંટણી મેપ ફરીથી તૈયાર કરવા અને દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માગે છે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં.'

સીમાંકન બિલ પર રાહુલ ગાંધીના સવાલો

30 નવેમ્બર, 2026ના રોજ લોકસભામાં સીમાંકન બિલ રજૂ કરવામાં આવનાર છે. આ હેતુ માટે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જે 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર, 2026 સુધી ચાલશે. આ બિલ રજૂ કરવામાં આવે તે પહેલાં રાહુલ ગાંધીએ બિલ પાછળના ઉદ્દેશ્ય અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું કે, 'આ મુદ્દો માત્ર લોકસભાની બેઠકોની સંખ્યા વધારવા પૂરતો સીમિત નથી. પરંતુ તે દેશના ચૂંટણી મતવિસ્તારોની સીમાઓ અને પ્રતિનિધિત્વના સ્વરૂપને પણ અસર કરી શકે છે.'

આસામ અને જમ્મુ-કાશ્મીરનું ઉદાહરણ આપતા શું કહ્યું રાહુલ ગાંધીએ?

આસામ અને જમ્મુ-કાશ્મીરમાં હાથ ધરવામાં આવેલી સીમાંકન પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, 'ભાજપને લાભ થાય તે હેતુથી મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.' તેમણે આસામના કેટલાક મતવિસ્તારોની રચના અને જમ્મુ-કાશ્મીરમાં મતદારોને અન્ય મતવિસ્તારોમાં ખસેડવાના નિર્ણય તરફ ઈશારો કરતા કહ્યું કે, 'આ બાબતો પ્રશ્નો ઊભા કરે છે.' રાહુલે આશંકા વ્યક્ત કરી કે, જો આવી પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે તો ચૂંટણી મેપ ભાજપની તરફેણમાં ફરીથી બદલી શકાય છે.'

850 બેઠકો હોવાથી ભાજપને શું લાભ થશે?

850 બેઠકોના પ્રસ્તાવને સમજાવવા માટે રાહુલ ગાંધીએ કોરું કેનવાસનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'જ્યારે કોઈ કલાકારની સામે કોરું કેનવાસ હોય છે તો તે પોતાની પસંદગીનું કોઈપણ ચિત્ર બનાવવા માટે સ્વતંત્ર હોય છે. તેવી જ રીતે જો લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 850 કરવામાં આવે તો તેનાથી ચૂંટણી મતવિસ્તારોની સીમાઓ ફરીથી નક્કી કરવા માટે વધુ અવકાશ મળવાની શક્યતા છે. 850 એ ભારતની લોકશાહીને ખતમ કરવા માટેનો નંબર છે.'

અમે સર્વપક્ષીય સીમાંકન પંચની માગ કરીએ છીએ: રાહુલ ગાંધી

સર્વપક્ષીય સીમાંકન પંચની માગ કરતાં રાહુલે કહ્યું કે, 'જાતિ આધારિત વસ્તી ગણતરીને બાજુ પર મૂકી દેવામાં આવી છે અને 2027ની વસ્તી ગણતરીને બિનજરૂરી બનાવી દેવામાં આવી છે. શા માટે? કારણ કે તેનાથી એવી હકીકતો સામે આવશે જે અત્યંત અસહજ કરનારી છે, એવી હકીકતો જેને ભાજપ જોવા માગતું નથી. પરિણામે તેઓ 2011ની વસ્તી ગણતરીના આધારે આગળ વધવા માગે છે. જેમાં 2051 સુધી બધું 'સ્થગિત' રહેશે. આનો સીધો અર્થ એ છે કે આગામી 40 વર્ષ સુધી સામાજિક ન્યાયની તમામ આશાઓ છોડી દેવી પડશે.'

જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે શું કહ્યું?

જાતિ આધારિત વસ્તી ગણતરી પર તેમણે વધુમાં કહ્યું કે, 'તેઓ SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ) અને OBC સમુદાયોના અધિકારોને નબળા પાડી રહ્યા છે અને લઘુમતીઓને સત્તાહીન બનાવી રહ્યા છે. SC/ST માટેની બેઠકોનો હિસ્સો 40 વર્ષ સુધી સ્થગિત રહેશે. એટલે કે તેમની વસ્તીમાં વધારો થાય તેમ છતાં તેઓની બેઠકોની સંખ્યા સ્થિર રહેશે. સ્પષ્ટ છે કે, તેઓ નથી ઈચ્છતા કે જાતિ આધારિત વસ્તી ગણતરીના તારણો સામે આવે. અમે સર્વપક્ષીય સીમાંકન પંચની માગ કરીએ છીએ. મહિલાઓ માટેનું અનામત માત્ર 850 બેઠકો પર જ નહીં, પરંતુ તમામ 543 સંસદીય બેઠકો પર લાગુ થવું જોઈએ અને તેમાં OBC માટે પેટા-કોટાનો પણ સમાવેશ થવો જોઈએ. અસલી પ્રશ્ન એ છે કે, શું ભાજપને ભારતીય લોકશાહીના પાયાને જ ફરીથી ઘડવા માટે 'ખુલ્લી છૂટ' આપવામાં આવી રહી છે?'

ચૂંટણી પંચ પર કબજો કરી લેવામાં આવ્યો છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને જ્ઞાનેશ કુમારને ભારતની ચૂંટણી મતવિસ્તારોની સીમાઓ પોતાની મરજી મુજબ ફરીથી નક્કી કરવાની સંપૂર્ણ છૂટ આપવાનો તેઓનો ઉદ્દેશ્ય છે. Gen Z ખાસ ધ્યાને લે કે ભારતનો મેપ બદલીને આવું જ કંઈક થવા જઈ રહ્યું છે, જેનાથી આ ગુનેગારો અને ચોરોને દેશને લૂંટવાનું ચાલુ રાખવાની અને તમારું ભવિષ્ય બરબાદ કરવાની તક મળશે. સીમાંકન પંચ પર નજર નાખો. તેમાં જ્ઞાનેશ કુમાર એક સભ્ય છે અને તેમની સાથે સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ ન્યાયાધીશ છે, જેમને ખાસ મોદી અને શાહ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. અને ત્રીજા સભ્યની પસંદગી કોણ કરે છે? સમિતિના ત્રીજા સભ્યને ખુદ જ્ઞાનેશ કુમાર પસંદ કરે છે, જ્યારે પહેલા સભ્યની પસંદગી મોદી અને શાહ દ્વારા કરવામાં આવે છે. લોકશાહી વ્યવસ્થાને તોડી પાડવામાં સાક્ષી રહ્યા બાદ, હવે જ્ઞાનેશ કુમાર આ દેશના વિનાશની પ્રક્રિયાનું સંચાલન કરવા જઈ રહ્યા છે. ચૂંટણી પંચ પર કબજો કરી લેવામાં આવ્યો છે. હવે આ એજન્ડાને અમલમાં મૂકવા માટે સીમાંકન પંચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીમાંકન પંચનું માળખું જ એવું છે કે તેમાં મોદી અને શાહનું સંપૂર્ણ નિયંત્રણ છે. એટલું જ નહીં, જ્ઞાનેશ કુમાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને અદાલતમાં પડકારી પણ શકાતા નથી."

વોટ ચોરી છુપાવવા માટે સરકાર સીમાંકન બિલ લાવી રહી છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી BJP પર નિશાન સાધતા કહ્યું કે, 'ભાજપ બચવાના નવા રસ્તા શોધી રહી છે. નવો રાજકારણનો નકશો બનાવવા ઈચ્છે છે, વોટ ચોરી છુપાવવા માટે સરકાર સીમાંકન બિલ લાવી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર હતી. બંગાળમાં BJPએ 100થી વધુ સીટો ચોરી કરી હતી.'

લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ: રાહુલ

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, 'ભાજપ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યો છે. સીમાંકનનો મુદ્દો માત્ર લોકસભાની બેઠકોની સંખ્યા વધારવા પૂરતો સીમિત નથી, પરંતુ તે ચૂંટણી મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ છે. કોંગ્રેસ આ પ્રસ્તાવનો વિરોધ કરશે અને વિરોધ પક્ષોને એકજૂથ કરવાનો પ્રયાસ કરશે.'