‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર
Rahul Gandhi Attack On BJP : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના એજ્યુકેશન, શાળાઓની સ્થિતિ અને શાળામાં એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓના ઘટાડા મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સોમવારે (30 જૂન) આરોપ લગાવ્યો કે, ભાજપનું વિકાસ મોડેલ ગરીબો, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC)ના બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લેવાનો છે. લોકસભામાં વિપક્ષના નેતાએ કેટલાક સ્ક્રીનશોટ ફેસબુક પર શેર કર્યા છે.
2014થી દેશભરમાં 84,441 સરકારી શાળાઓ બંધ કરાઈ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ‘ભાજપનું વિકાસ મોડેલ ગરીબો, ખાસ કરીને SC, ST અને OBC બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લેવાનું મોડેલ છે. ઉત્તર પ્રદેશમાં 5,000થી વધુ સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. 2014થી દેશભરમાં 84,441 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગની ત્રણ ભાજપ શાસિત રાજ્યો - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને આસામમાં બંધ કરવામાં આવી છે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘શાળાઓ બંધ કરવી એ શિક્ષણ અધિકાર કાયદા પર સીધો હુમલો છે. આ ફક્ત શાળાઓ બંધ કરવાની વાત નથી, પરંતુ તે બંધારણમાં આપેલા શિક્ષણ અધિકાર અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારના ઐતિહાસિક કાયદા પર સીધો હુમલો છે, જેમણે (UPA સરકારે) દરેક ગામના દરેક બાળકને શાળાએ લાવ્યા અને નોંધણીમાં ઐતિહાસિક વધારો કર્યો હતો.
‘સરકારી શાળા ઘટી, ખાનગી શાળાઓ વધી’
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2014-15થી 2023-24 દરમિયાન સરકારી શાળાઓની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ખાનગી શાળાઓમાં 14.9 ટકાનો વધારો થયો છે. બીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2023-24માં પાછલા નાણાકીય વર્ષની તુલનામાં એસસીના વિદ્યાર્થીઓની નોંધણીમાં 16.2 લાખ વિદ્યાર્થીઓ, એસટીના 5.1 લાખ વિદ્યાર્થીઓ અને ઓબીસીના 38.5 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
‘આજે શિક્ષણને છીનવી લેવામાં આવી રહ્યું છે’
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ‘બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, શિક્ષણ સિંહણનું દૂધ છે, જે કોઈ તેને પીશે તે ગર્જના કરશે. પરંતુ આજે શિક્ષણને છીનવી લેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાઓ બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ રસ્તા પર છે, પરંતુ તેમનો અવાજ સાંભળવાને બદલે, સરકાર તેમને હેરાન કરવામાં અને શિક્ષણ પ્રણાલીને વધુ નબળી બનાવવામાં વ્યસ્ત છે. તેને મજબૂત બનાવવાની અને દરેક બાળકને સમાન, સુલભ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની જરૂર છે.’
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં એવી પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં 50થી ઓછા બાળકો છે. એવું કહેવામાં આવ્યું છે કે, બંધ શાળાઓના બાળકોને નજીકની શાળાઓમાં મર્જ કરવામાં આવશે. જોકે, શિક્ષકો, બાળકો અને વિપક્ષ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.