વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર
Rahul Gandhi: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી તણાવની સ્થિતિ છે. જોકે, હવે બંને દેશો સંઘર્ષવિરામ પર વિચાર કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસ પાર્ટીએ પહલગામ આતંકવાદી હુમલાને લઈને 'ઓપરેશન સિંદૂર' અને સંઘર્ષવિરામની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરાયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. આ ક્રમમાં લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. બંને નેતાઓએ વડાપ્રધાન મોદીને જલ્દીમાં જલ્દી સર્વપક્ષીય બેઠક બોલાવવા અને આ સંબંધે જાણકારી આપવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ લખ્યો પત્ર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'હું વિપક્ષની સર્વસંમતિથી વિનંતી કરૂ છું કે, તાત્કાલિક સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. પહલગામ આંતકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને સંઘર્ષવિરામ પર ચર્ચા કરવા લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે ખૂબ જરૂરી છે, જેની જાહેરાત સૌથી પહેલાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. આ આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવાનો પણ અવસર હશે. મને વિશ્વાસ છે કે, તમે આ માંગ પર ગંભીરતાથી અને ઝડપથી વિચાર કરશો.'
આ પણ વાંચોઃ મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
ખડગેએ બેઠક બોલાવવાની કરી માંગ
વળી, બીજી બાજું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, 'તમને યાદ હશે કે, મેં રાજ્યસભાના વિપક્ષ નેતાના રૂપે અને લોકભાસભાના વિપક્ષી નેતાએ 28 એપ્રિલ 2025ના રોજ અમારા પત્રો દ્વારા પહલગામમાં થયેલા અમાનવીય આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. લેટેસ્ટ ઘટનાક્રમોને જોતા લોકસભામાં વિપક્ષના નેતાએ તમને ફરી પત્ર લખીને તમામ વિપક્ષી પાર્ટીઓની સંમતિથી ઉઠાવવામાં આવેલી માંગ સાથે પરિચિત કરાવ્યા છે કે, પહલગામ આતંકવાદ, ઓપરેશન સિંદીર અને પપહેલાં વોશિંગ્ટન ડીસી અને બાદમાં ભારતક અને પાકિસ્તાનની સરકારો દ્વારા સંઘર્ષવિરામની જાહેરાત પર ચર્ચા કરવા માટે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે, રાજ્યસભામાં વિપક્ષના નેતાના રૂપે હું આ વિનંતીના સમર્થનમાં લખું છું. મને વિશ્વાસ છે કે, તમે સંમત હશો.'
