પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર
Punjab Floods: પંજાબ હાલમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે રાજ્યની મુખ્ય નદીઓ, સતલજ, બિયાસ અને રાવી પૂરની સ્થિતિમાં છે. મોસમી નાળા પણ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે. પૂરમાં અત્યાર સુધીમાં 37 લોકો મૃત્યુ પામ્યા છે અને 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના તમામ 23 જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે, જ્યારે 1655 ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે.
પંજાબમાં હાલાકી
પૂરના કારણે પંજાબમાં 1.48 લાખ હેક્ટરથી વધુ જમીન પર ઊભા પાકનો નાશ થયો છે. ખેડૂતોને પશુધનના નુકસાનનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે અથવા પાણીથી ધોવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ખેતરો તળાવો અને બેટમાં ફેરવાઈ ગયા છે, જેની ઊંડાઈ 8 થી 10 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ગામલોકો હોડીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.
સૌથી વધુ પ્રભાવિત જિલ્લા
ગુરદાસપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. વહીવટીતંત્રે અનેક રાહત શિબિરો સ્થાપ્યા છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેમના ઢોર અને ઘરોની નજીક છત અથવા ઊંચા પ્લેટફોર્મ પર કેમ્પિંગ કરી રહ્યા છે.
સરકાર અને નેતાની અપીલ
મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કહ્યું કે સરકારે ખાસ ગિરદાવરી (નુકસાન મૂલ્યાંકન સર્વે) શરૂ કરી છે. તેમણે ખાતરી આપી કે અસરગ્રસ્ત પરિવારોને વળતર મળશે અને કહ્યું કે, 'જ્યારે પણ દેશ સંકટમાં હતો, ત્યારે પંજાબે તેને ટેકો આપ્યો હતો. આજે પંજાબ સંકટમાં છે, દેશે આપણી સાથે ઊભા રહેવું જોઈએ.'
આ પણ વાંચોઃ ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને રાહત કાર્યની સમીક્ષા કરશે. અગાઉ, મનીષ સિસોદિયાએ તરનતારનમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાહત કાર્ય માટે તેમના સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળમાંથી 3.25 કરોડ રૂપિયા આપ્યા છે.
જનસહયોગ શરૂ
પંજાબના કલાકારો અને સામાજિક સંગઠનોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. સોનુ સૂદ, દિલજીત દોસાંઝ, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, અમ્મી વિર્ક અને રણજીત બાવા જેવા કલાકારો લોકોને મદદ કરવા આગળ આવ્યા છે.
સરકારી એજન્સીઓ સાથે અનેક NGO અને શીખ સંગઠનો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. વળી, ભાખરા ડેમમાં પાણીનું સ્તર 1677.84 ફૂટ પર પહોંચી ગયું છે, જે 1680 ફૂટની મહત્તમ ક્ષમતાની ખૂબ નજીક છે.