Get The App

પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
Pune land row
(IMAGE - IANS)

Pune Mundhwa Land Deal Probe Report: મહારાષ્ટ્રમાં ₹300 કરોડના જમીન સોદાનો તપાસ રિપોર્ટ જાહેર કરાયો છે. આ કેસમાં, પૂણેની સરકારી જમીન ખાનગી કંપનીને વેચવા અને સ્ટેમ્પ ડ્યૂટીમાં જંગી છૂટ આપવા બદલ જનરલ ઑફ રજિસ્ટ્રેશન(IGR)ની ત્રણ સભ્યોની કમિટીએ સબ રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ સહિત ત્રણ વ્યક્તિઓને જવાબદાર ગણાવ્યા છે. આ દરમિયાન, સરકારે કંપનીને ₹42 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત માટે સાત દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારી છે. સંયુક્ત IGR રાજેન્દ્ર મુંઠેના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિએ IGR રવિન્દ્ર બિનવાડેને રિપોર્ટ સોંપ્યો હતો, જે તેને આગળ પૂણે ડિવિઝનલ કમિશ્નર ચંદ્રકાંત પુલકુંદવારને મોકલશે.

રવિન્દ્ર તારુ જવાબદાર: સબ રજિસ્ટ્રાર પર તપાસનો સકંજો

આ સોદામાં સીધી રીતે સામેલ ત્રણ વ્યક્તિઓ – જેમાં સસ્પેન્ડ કરાયેલા સબ રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુનો પણ સમાવેશ થાય છે, તેને રિપોર્ટમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. બીજી તરફ, રિપોર્ટ જણાવે છે કે પાર્થ પવારને દોષિત ગણવામાં આવ્યા નથી, કારણ કે તેમનું નામ કોઈપણ દસ્તાવેજમાં આવ્યું નથી. એક વરિષ્ઠ અધિકારીના મતે, 'સમગ્ર વેચાણ ખત(Sale Deed)માં પાર્થ પવારનું નામ ક્યાંય ન હોવાથી, તેમને તપાસમાં દોષિત ઠેરવી શકાય નહીં'.

કયા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા?

રિપોર્ટમાં જે ત્રણ લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, તેમાં આ નામો સામેલ છે: રવિન્દ્ર તારુ - સબ-રજિસ્ટ્રાર (સસ્પેન્ડેડ), દિગ્વિજય પાટીલ - પાર્થ પવારના ભાગીદાર અને સંબંધી, શીતલ તેજવાની - વેચનાર તરફથી પાવર ઑફ એટર્ની ધારક. આ ત્રણેય પહેલાથી જ પોલીસ દ્વારા નોંધાયેલી FIRમાં આરોપી છે.

સરકારી જમીન કઈ રીતે વેચાઈ?

40 એકરની આ જમીન મુંડવાના પોશ વિસ્તારમાં આવેલી છે. આ જમીન સરકારી હતી, જેને વેચી શકાય તેમ નહોતું. તેમ છતાં, તેને અમાડિયા એન્ટરપ્રાઇઝિઝ LLPને વેચવામાં આવી, જેમાં પાર્થ પવાર ભાગીદાર છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે કંપનીને ₹21 કરોડની સ્ટેમ્પ ડ્યુટીમાં ખોટી રીતે છૂટ આપવામાં આવી હતી.

ભવિષ્યમાં આવી છેતરપિંડીથી બચવાના ઉપાયો સૂચવાયા

તપાસ રિપોર્ટમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે:

- જ્યાં પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ માંગવામાં આવે, ત્યાં કલેક્ટર(સ્ટેમ્પ)ની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ.

- રજિસ્ટ્રેશન ઍક્ટની કલમ 18-K મુજબ, 7/12નો ઉતારો એક મહિનાથી જૂનો ન હોવો જોઈએ અને સંપૂર્ણ માલિકીનો દસ્તાવેજ જરૂરી છે.

- 20 એપ્રિલ, 2025ના નોટિફિકેશનનો હવાલો આપતા કહેવાયું છે કે, સરકારી જમીનો સાથે જોડાયેલા દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન સબ-રજિસ્ટ્રાર કરી શકે નહીં.

હાલમાં આ નિયમ ફક્ત સ્પષ્ટ સરકારી માલિકી પર જ લાગુ થાય છે, તેને અસ્પષ્ટ અથવા આંશિક સરકારી માલિકીવાળી સ્થિતિઓમાં પણ લાગુ કરવો જોઈએ.

આ પણ વાંચો: SIRના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો

₹42 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની નોટિસ

આ દરમિયાન IGR ઑફિસે અમાડિયા એન્ટરપ્રાઇઝિઝને ₹42 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત અંગે પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ મોકલી છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'કંપનીએ 15 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ અમે તેમને માત્ર 7 દિવસનો જ સમય આપ્યો છે.'

અન્ય તપાસ રિપોર્ટ્સ પણ આવશે

રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને સેટલમેન્ટ કમિશ્નરના રિપોર્ટ્સ પણ તૈયાર થઈ રહ્યા છે. ત્રણેય રિપોર્ટ્સ એડિશનલ ચીફ સેક્રેટરી (રેવન્યૂ) વિકાસ ખર્ગેને મોકલવામાં આવશે. તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ મામલાની તપાસ માટે બનાવવામાં આવેલી છ સભ્યોની સમિતિના પ્રમુખ છે. સરકારે આ સોદાને પહેલાથી જ રદ કરી દીધો છે.

પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા 2 - image