બંગાળમાં 500 બાંગ્લાદેશી ઝડપાયા, મતદાર યાદી ચકાસણી શરૂ થતા સરહદેથી ભાગવાની ફિરાકમાં હતા

Election Commission News : ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલી મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા (SIR)નો ડર ગેરકાયદે રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. આ ડરને કારણે, પશ્ચિમ બંગાળમાંથી લગભગ 500 બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આ લોકોને સરહદ પાર કરતી વખતે ઇન્ટરસેપ્ટ કર્યા હતા, જે દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો થયો.
શું છે SIR અને શા માટે છે ડર?
ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને મતદારોની માહિતીની ચકાસણી કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે, "શું તમારું નામ 2003ની મતદાર યાદીમાં હતું? જો નહીં, તો તમારા પરિવારના કયા સભ્યોનું નામ હતું?"
આવા સવાલોના જવાબ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો આપી શકતા નથી, કારણ કે તેમની પાસે જૂના રેકોર્ડ હોતા નથી. પકડાઈ જવાના ડરથી હવે તેઓ ભારત છોડીને પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં શું બન્યું?
સોમવારે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સ્વરૂપનગર પાસે આવેલી હાકિમપુર ચેક પોસ્ટ પરથી લગભગ 500 લોકો બાંગ્લાદેશ તરફ જતા જોવા મળ્યા હતા. BSFની 143મી બટાલિયને આ મોટી હિલચાલ જોઈને શંકાના આધારે તેમને અટકાવ્યા અને પૂછપરછ કરી.
BSF અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ 500 લોકોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને તેમની પાસે કોઈ વિઝા, પાસપોર્ટ કે ઓળખપત્ર નથી. એક રિપોર્ટ મુજબ, આ વર્ષે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ભારતમાંથી પલાયન કરવાની આ સૌથી મોટી ઘટના છે.
વર્ષોથી ભારતમાં રહેતા હતા
પકડાયેલા લોકોમાંથી ઘણાંએ જણાવ્યું કે તેઓ વર્ષોથી પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં ઘરેલુ નોકર, મજૂર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હતા. આ મહિનાની શરૂઆતમાં પણ, BSFએ આવા જ 100 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા જેઓ SIRના ડરથી પાછા ફરી રહ્યા હતા.

