Get The App

મરજીથી પ્રેમમાં પડતાં સગીરોને પોક્સોની સજાથી બચાવવા કેન્દ્ર સરકાર કંઈક કરે : સુપ્રીમ કોર્ટ

Updated: May 26th, 2025

GS TEAM

Google News
Google News
મરજીથી પ્રેમમાં પડતાં સગીરોને પોક્સોની સજાથી બચાવવા કેન્દ્ર સરકાર કંઈક કરે : સુપ્રીમ કોર્ટ 1 - image


Supreme Court News : સગીરો વચ્ચેના સંમતિના રોમેન્ટિક સંબંધોમાં પોક્સો કાયદા હેઠળ ગુનાહિત કાર્યવાહી હટાવવા અંગે વિચારવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે. સુપ્રીમે કહ્યું હતું કે આ પ્રકારના મામલાઓમાં સગીરોને પોક્સોના કડક કાયદા હેઠળ જેલ જતા અટકાવવા માટે આ દિશામાં સરકારે વિચારવું જોઇએ. સાથે જ સુપ્રીમે કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓમાં સેક્સ એજ્યુકેશન અને રિપ્રોડક્ટિવ સ્વાસ્થ્ય શિક્ષણની દિશામાં એક નીતિ તૈયાર કરવા પણ કહ્યું છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચે કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવી હતી અને મહિલા-બાળ વિકાસ વિભાગને આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની એક પેનલ રચવા પણ કહ્યું હતું. આ અંગે 25મી જુલાઇ સુધી રિપોર્ટ જમા કરવા પણ કહ્યું હતું, જે બાદ હવે આ મામલે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં કલકત્તા હાઇકોર્ટના એક ચુકાદામાં કરાયેલા વાંધાજનક અવલોકનની સુઓમોટો સુનાવણી ચાલી રહી છે. આ ચુકાદામાં જજે મહિલાને શારીરિક ઇચ્છાને કાબુમાં રાખવાની સલાહ આપી હતી. આ સલાહને સુપ્રીમે વાંધાજનક ગણાવી હતી.  

જ્યારે પોક્સો કાયદા અંગે કેન્દ્ર સરકારને સલાહ આપતા સુપ્રીમે કહ્યું હતું કે યુવા વયના યુગલો પ્રેમ સંબંધમાં બંધાય છે તેમની સામે પોક્સો કાયદા હેઠળ ગુનાહિત કાર્યવાહી કરવાનું ટાળવું જોઇએ, કેમ કે આ કાયદો એવી રીતે તૈયાર કરાયો છે કે જેથી તે સગીરોને શોષણથી બચાવી શકાય. પશ્ચિમ બંગાળમાં પોક્સોનો એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો, એક સગીરાએ ઘરેથી ભાગીને એક પુખ્ત વયના પુરૂષ સાથે લગ્ન કરી લીધા હતા, બાદમાં સગીરાના માતા પિતાએ પુરુષ સામે પોક્સોની ફરિયાદ કરી હતી, જેમાં કોર્ટે તેને 20 વર્ષની સજા ફટકારી હતી, જોકે બાદમાં કલકત્તા હાઇકોર્ટે તેને છોડી મુક્યો હતો. 

જોકે છોડતી વખતે હાઇકોર્ટે એવુ અવલોકન કર્યું જેના પર સુપ્રીમનું ધ્યાન ગયું, ચુકાદો આપનાર જજે મહિલાને શારીરિક ઇચ્છાને કાબુમાં રાખવાની સલાહ આપી હતી.  આ મામલાની સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી, તેની સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું હતું કે આ મામલામાં મહિલાને નથી લાગી રહ્યું કે તેની સાથે અત્યાચાર થયો છે. 

હાલ પીડિતા આરોપીની પત્ની છે અને પોતાના પતિને છોડાવવા માટે મહેનત કરી રહી છે. મહિલા આ કેસને અપરાધ નથી માની રહી, સમાજ માની રહ્યો છે, ન્યાયિક સિસ્ટમે મહિલાને નિષ્ફળ બનાવી, પરિવારે તરછોડી દીધી, આરોપીને છોડાવવા માટે મહિલાએ ઘણો સંઘર્ષ કરવો પડયો.  આ કેસ તમામ માટે આંખો ઉઘાડનારો છે, પીડિતા આરોપી સાથે લાગણીથી જોડાયેલી હતી. સુપ્રીમ કોર્ટે બંધારણના આર્ટિકલ ૧૪૨નો ઉપયોગ કરીને આરોપી કે જે હાલ પીડિતાનો પતિ છે તેને છોડી મુક્યો હતો.  

Tags :