યોગી સરકારે પાન-મસાલાના ઉત્પાદન અને વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ
નવી દિલ્હી, તા. 25 માર્ચ 2020, બુધવાર
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે સમગ્ર રાજ્યમાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે ઉત્તરપ્રદેશમાં પાન મસાલાના ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ આગામી આદેશ સુધી લગાવ્યો છે. ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમા પાન મસાલાનું મોટાપાયે ઉત્પાદન થાય છે જેમાં કાનપુર અને નોઈડા મુખ્ય છે.
ઉત્તરપ્રદેશ સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે ગુટખા પાન મસાલા અને પાન પર પ્રતિબંધ લગાવવામાં આવે. લોકો ગુટખા પાન મસાલા ખાઈને સરકારી ઓફિસોમાં, બજારમાં અને જાહેર સ્થળોએ થુંકે છે. તેનાથી ગંદકી ફેલાઈ છે. આ સમયે કોરોના વાઈરસનું સંક્રમણનો ખતરો વધી ગયો છે.
નોંધનીય છે કે, જ્યારે યોગી આદિત્યનાથ 2017માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ તેમણે રાજ્યમાં પાન-ગુટખા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ શરૂઆતની સખ્તી બાદ રાજ્યમાં ફરીવાર પાન-ગુટખાનું વેચાણ થરૂ થઈ ગયું હતું. હવે કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા માટે ઉત્તરપ્રદેશ સરકારે આ નિર્ણય આપ્યો છે.