લોકડાઉન લંબાવવુ કે નહીં ? શનિવારે પીએમ મોદી નિર્ણય લેશે
નવી દિલ્હી, તા.8 એપ્રિલ 2020, બુધવાર
દેશમાં 14 એપ્રિલે પુરા થતા લોકડાઉનની સમયમર્યાદા લંબાવવી કે નહી તેના પર પીએમ મોદી રાજ્યોના સીએમ તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોના પ્રશાસકો સાથે વાત કરીને શનિવારે નિર્ણય લે તેવી શક્યતા છે.
શનિવારે પીએમ મોદી વિડિયો કોન્ફરન્સિંગથી વાત કરવાના છે. સીએમ સાથે થયેલી છેલ્લી બેઠકમાં પીએમ મોદીએ પ્રવાસી મજૂરો અને ગરીબોની પરેશાની દુર થઈ શકે તે માટે મુખ્યમંત્રીઓ પાસેથી સૂચન માંગ્યા હતા.
એવુ મનાય છે કે, સરકાર તબક્કાવાર લોકડાઉન ખતમ કરવા માંગે છે. સરકાર એ જગ્યાઓ પર લોકડાઉન હટાવવા તૈયાર છે જ્યાં કોરોનાના કેસ ઓછા છે અથવા મામલા સામે નથી આવી રહ્યા.
ટોચના અધિકારીઓનુ માનવુ છે કે, 15 એપ્રિલ બાદ પણ જો લોકડાઉન ચાલુ રખાયુ તો ઈકોનોમીને ભારે નુકસાન થશે. આ સંજોગોમાં જે વિસ્તારો રેડ ઝોનમાં નથી ત્યાં પ્રતિબંધો હટાવવા જોઈએ.