Get The App

વિકસિત ભારત 'જી રામ જી' બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, મનરેગાનું લેશે સ્થાન, શ્રમિકોને 125 દિવસ રોજગારીની ગેરંટી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
વિકસિત ભારત 'જી રામ જી' બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, મનરેગાનું લેશે સ્થાન, શ્રમિકોને 125 દિવસ રોજગારીની ગેરંટી 1 - image


VB G RAM G: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રવિવાર(21 ડિસેમ્બર)ના રોજ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ (VB G RAM G) બિલ પર મંજૂરીની મહોર મારી દીધી છે. રાષ્ટ્રપતિની સહી બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે. મહત્વનું છે કે VB G RAM G બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્યપાસમાં ચર્ચા અને ભારે વિરોધ બાદ પાસ કરવામાં આવ્યું હતું. હવે 'જી રામજી જી' કાયદા મુજબ ગ્રામીણ પરિવારોને પ્રતિ વર્ષ 125 દિવસની બંધારણીય રોજગારી હક્ક મળશે જે પહેલા મનરેગા મુજબ 100 દિવસ હતો. 

1 એપ્રિલ 2026થી થશે લાગુ

સરકાર આ બિલને આગામી નવા વર્ષની 1 એપ્રિલ 2026થી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ( મનરેગા )ને બદલશે . આ બિલ મુજબ રોજગારની વૈધાનિક ગેરંટી હવે 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. નવા કાયદા મુજબ વેતનની ચુકવણી સાપ્તાહિક ધોરણે અથવા વધુમાં વધુ 15 દિવસની અંદર ફરજિયાત છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી ન કરવામાં આવે તો વેતનની ચુકવણીમાં વિલંબ માટે વળતરની પણ જોગવાઈ છે.

યોજનાના નામમાંથી 'મહાત્મા ગાંધી'નું નામ દૂર કરતા વિવાદ

NDAના સભ્યો એવો આક્ષેપ કરી રહ્યા છે કે નવા બિલની તુલના યુપીએ સરકારની મનરેગા યોજના સાથે કરીને આ આખા વિષયને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. શાસક પક્ષનું માનવું છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો માત્ર આ નવા કાયદાનો વિરોધ કરવાના ઈરાદે એકજૂથ થયા છે. આ નવો કાયદો હવે એ જૂની યોજનાની જગ્યા લેશે જે અગાઉ મહાત્મા ગાંધીના નામથી ઓળખાતી હતી, પરંતુ હવે નવી યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દૂર કરી દેવામાં આવ્યું છે.

29 ડિસેમ્બરે ખાસ બેઠક બોલાવી

સંસદની ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસ સાંસદ સપ્તગિરી શંકર ઉલાકાએ 29 ડિસેમ્બરના રોજ એક ખાસ બેઠકનું આયોજન કર્યું છે. આ મીટિંગનો મુખ્ય હેતુ નવા 'VB-GRAM G' બિલની ઝીણવટભરી ચર્ચા કરવાનો અને તેની સરખામણી યુપીએ શાસનકાળની મનરેગા યોજના સાથે કરવાનો છે. આ નિર્ણયને કારણે સત્તાધારી એનડીએ ગઠબંધનના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દો હવે મોટી રાજકીય લડાઈનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: મનરેગાનું નામ 'જી રામ જી' કરવામાં પ્રજાના 1000 કરોડનો ધુમાડો થશે? સમજો કેવી રીતે

શું છે VB-GRAM G બિલ?

નવો VB-GRAM G કાયદો મનરેગાની જેમ ગ્રામીણ રોજગારીની ખાતરી આપે છે, પરંતુ તેમાં કેટલાક પાયાના ફેરફારો છે. આ યોજના હેઠળ હવે 100ને બદલે 125 દિવસની રોજગારી મળશે, જેનો લાભ બિનકુશળ શારીરિક શ્રમ કરવા ઈચ્છતા પરિવારોને મળશે. આ કાયદાનો મુખ્ય લક્ષ્ય રોજગારની સાથે ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. જોકે, આ બિલને લઈને સમિતિની બેઠકે સંસદમાં ફરી રાજકીય ઘર્ષણ વધારી દીધું છે.