G Ram G Scheme : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મનરેગા યોજનાનું નામ બદલીને ‘વીબી જી રામ જી’ યોજના કરવા માટે સંસદમાં મુસદ્દો રજૂ કરવામાં આવ્યો. આ બિલને પગલે સંસદમાં અને સંસદની બહાર મોટાપાયે હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદો દ્વારા સરકારની માનસિકતા અને નીતિઓનો વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેટલાક સાંસદો નવી નીતિઓની અને યોજનાઓની ખામી કાઢી રહ્યા છે. હકીકત એ છે કે, યોજના કે તેના નામની ખામી અથવા તો કામની ખામી પછી કાઢી શકાય પણ સૌથી મોટી ખોટ તો ખાટલે એ છે કે, સરકાર વાંરવાર નામ બદલીને પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા જ્યાં ત્યાં વેડફી કાઢે છે. જ્યારે જ્યારે કોઈ યોજના, શહેર, જિલ્લો, રાજ્ય કે અન્ય કોઈ સરકારી બાબતનું નામ બદલવામાં આવે છે ત્યારે તેને લગતા તમામ કાયદેસર સુધારા કરવામાં કરોડો રૂપિયાનું આંધણ થાય છે જે પ્રજાની ટેક્સની કમાણીમાંથી ચુકવવામાં આવી છે.
700થી વધુ જિલ્લામાં આપેલા જોબ કાર્ડ બદલવા પડશે
મનરેગા યોજનાનું નામ વીબી જી રામ જી કરવામાં જે રાજકીય લાભ થવાનો હોય તે થશે પણ પહેલાં તો તેનો વ્યાપ શું છે અને બદલાશે તો શું થશે તે સમજવા જેવું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા દુનિયાની સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના દરેક ગામડામાં આ યોજના અમલમાં છે. અત્યાર સુધીમાં દેશના 25 કરોડ શ્રમિકો આ યોજના સાથે જોડાયેલા છે. તેમાંથી 14.33 કરોડ શ્રમિકો એવા છે જે સતત સક્રિય રહીને રોજગારી મેળવે છે. આ યોજના 2.69 લાખ ગ્રામ પંચાયતો, 7,000થી વધારે બ્લોક અને 700થી વધારે જિલ્લામાં અમલી છે. હવે આ યોજનાનું એકાએક નામ બદલવામાં આવશે તો તેમાં મોટો ખર્ચ થવાની શક્યતા છે.
જાણકારો માને છે કે, ભૂતકાળમાં જ્યારે પણ સરકારી યોજનાઓના નામ બદલવામાં આવ્યા છે ત્યારે તેની કાયદેસરની કામગીરીમાં ઘણો મોટો ખર્ચ થયો છે. મનરેગા યોજનાની જ વાત કરીએ તો સૌથી પહેલાં તો તેના જોબકાર્ડનું શું થશે તે સવાલ છે. હાલમાં દરેક શ્રમિક પાસે આ યોજનાનું જોબ કાર્ડ છે. હાલમાં આ જોબકાર્ડ ઉપર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ લખેલું છે અને તેના ઉપર ગાંધીજીના ચશ્માનો લોગો લગાવેલો છે. હવે જો કાયદેસર રીતે યોજનાનું નામ વીબી જી રામ જી થઈ જાય એટલે આ કરોડો કાર્ડ બિનઉપયોગી થઈ જાય. સરકારે તમામ જૂના કાર્ડ રદ કરવા પડે અને તેની જગ્યાએ નવા કાર્ડ આપવા પડે, જેમાં કરોડોનો ખર્ચ આવે તેમ છે.
જાણકારોના મતે હાલમાં લેમિનેટેડ જોબ કાર્ડ પ્રિન્ટિંગ અને વિતરણ કરવાની કિંમત સરેરાશ 20 રૂપિયા થાય છે. હવે ધારોકે કદાચ સરકાર આ કામ શરૂ કરે છે તો પણ દેશમાં ૨૫ કરોડ શ્રમિકો છે. તેમના કાર્ડ બદલવાનો અને તેનું વિતરણ કરવાનો ખર્ચો 500 કરોડ રૂપિયા આવશે. બીજી તરફ એવું માની લઈએ કે સરકાર દ્વારા નવા કાર્ડ જારી કરવામાં આવતા નથી. તેઓ જૂના કાર્ડ ઉપર જ નવી યોજનાના સ્ટીકર લગાવવાનું કામ શરૂ કરે છે. તો એક સ્ટિકર બનાવીને લગાવવાનો ખર્ચ પણ અંદાજે પાંચ થી સાત રૂપિયા જેટલો થાય છે. તો 25 કરોડ શ્રમિકોના કાર્ડ ઉપર સ્ટિકર બનાવીને લગાવવાનો ખર્ચ પણ 125 કરોડથી 175 કરોડ જેટલો થાય તેમ છે.

દેશભરમાં લગાવેલા બોર્ડ, હોર્ડિંગ્સ પણ બદલવા પડશે
જોબ કાર્ડથી આગળ વધીએ એટલે સિટિઝન ઈન્ફોર્મેશન બોર્ડ બદલવાની કામગીરી કરવાની આવે. મનરેગા કાયદા હેઠળ દરેક વર્ક સાઈટ, કામના સ્થળો અને દરેક ગ્રામ પંચાયત ભવનમાં યોજનાની જાણકારી આપતા સિટિઝન ઈન્ફોર્મેશન બોર્ડ લગાવવા ફરજિયાત છે. હવે કોઈપણ ગામમાં જઈએ તો ત્યાં કાળ અક્ષરો ધરાવતું પીળા રંગનું બોર્ડ દેખાય છે જેમાં મહાત્મા ગાંધી નરેગા યોજનાની વિગતો લખી હોય છે. હવે આ યોજનાનું નામ બદલીને વીબી જી રામ જી કરવામાં આવશે એટલે દેશની 2.69 લાખ ગ્રામ પંચાયતોમાં લગાવેલા બોર્ડ અને દીવાલો ઉપર કરેલા પેઈન્ટિંગ બદલવા પડશે અથવા તો ફરીથી પેઈન્ટ કરવા પડશે.
હવે સ્થિતિ એ છે કે, દરેક પંચાયતમાં સરેરાશ 8થી 10 જગ્યાએ યોજનાના નામની જાહેરાત કરી હોય છે. એક દીવાલને પેઈન્ટ કરવાનો અને નામ લખવાનો ખર્ચ અંદાજે 1000 રૂપિયા હોય છે. હવે આ રીતે વિચારીએ તો લગભગ 250 કરોડ રૂપિયા ખર્ચ તેના ફાળે જતો રહે.ત્યારબાદ આ યોજના સાથે જોડાયેલી સ્ટેશનરી અને અન્ય સામગ્રીઓનો ફરીથી ખર્ચો કરવાનો આવશે. હવે યોજના બદલાશે એટલે જૂની યોજનાના તમામ રબર સ્ટેમ્પ, લેટરહેડ, રજિસ્ટર, મસ્ટર રોલ, ફાઈલ કવરો, અરજી પત્રકો, ઓફર લેટર અને અન્ય કોમ્યુનિકેશન માટે વપરાતા પત્રો અને સ્ટેશનરી પણ ફેંકી દેવાનો વારો આવશે. તેના સ્થાને આ તમામ સામગ્રી અને સ્ટેશનરી નવી બનાવવાની આવશે. હવે જ્યારે 700 જિલ્લાના 7000 બ્લોકમાં આ બધું બદલવામાં આવશે ત્યારે તેનો ખર્ચો પણ ઘણો મોટો આવશે. તમામ જૂના દસ્તાવેજો ફેંકી દેવા પડશે અથવા તો રેકોર્ડ માટે મુકી રાખવા પડશે તો તેનો ભરાવો ક્યાં કરવો તેની સમસ્યા પણ આવશે. બીજી તરફ નવા દસ્તાવેજો અને સ્ટેશનરી તથા સામગ્રી બનાવવાની આવશે તેનો ખર્ચ 100થી 150 કરોડ રૂપિયા થશે.
સરકારે છેલ્લાં ઘણાં સમયથી તમામ કામગીરી ડિજિટલી પણ કરી કાઢી છે. મનરેગા યોજનાનું મેનેજમેન્ટ ડિજિટલી કરવામાં આવે છે. તેના માટે (શઇઈય્છ-ર્જીકા) સોફ્ટવેર પણ તૈયાર કરાયું છે જે દુનિયાના સૌથી જટિલ ડેટાબેઝમાંનો એક પણ કહેવાય છે. આ યોજના બદલવાથી તેની વેબસાઈટના ડોમેન બદલવા પડશે, મોબાઈલ એપ્સના ઈન્ટરફેસ, ડેટાબેઝના હેડર, તમામ ડિજિટલ ઈમ્પ્રેશનના નામ, કરોડો શ્રમિકોના બેન્ક ખાતા સાથે જોડાયેલી પેમેન્ટની સ્લિપ અને ફોર્મેટના નામ બદલવા પડશે. તેના માટે આઈટી કંપનીઓ અથવા એનઆઈસીના એન્જિનિયરોને રોકવા પડશે. આ તમામ કામગીરીનું પણ સરકારે ચુકવણું તો કરવાનું આવશે જ. તેનો ખર્ચો પણ કરોડોમાં જશે તેવી ધારણા બાંધવામાં આવી રહી છે.

ગાંધીજીની નામે હાલદેશમાં ત્રણ યોજના ચાલી રહી છે, જે પૈકી એક બંધ કરી દેવાઈ
મહાત્મા ગાંધીજીના નામે દેશમાં કુલ ત્રણ યોજના ચાલી રહી છે. એક તો મનરેગા યોજના છે. ત્યારબાદ મહાત્મા ગાંધી શિલ્પ બજાર યોજના અને મહાત્મા ગાંધી વણકર વીમા યોજનાનો સમાવેશ થાય છે. 2017માં એનડીએ સરકાર દ્વારા મહાત્મા ગાંધી પ્રવાસી સુરક્ષા યોજના બંધ કરવામાં આવી હતી. આ યોજના 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા વિદેશમાં કામ કરતા ભારતીય પાસપોર્ટ ધરાવતા શ્રમિકોને સામાજિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તેના દ્વારા પ્રવાસી શ્રમિકોને પાછલા જીવનમાં બચત, સ્વદેશ પરત આવવું કે પૂનર્વાસ કરવા માટે મૂડીની જરૂર પડે, પેન્શનની જરૂર પડે, કુદરતી રીતે કે દુર્ઘટનામાં મૃત્યુ થાય તો વીમો આપવામાં આવતો હતો. આ યોજનાને ખાસ પ્રતિભાવ મળ્યો નહોતો તેથી તેને બંધ કરાઈ હતી.
મહાત્મા ગાંધી વણકર વીમા યોજનાની વાત કરીએ, જેની શરૂઆત 2003માં કરાઈ હતી. શરૂઆતમાં તેને વણકર વીમા યોજના નામ અપાયું હતું. 2005માં તેનું નામ મહાત્મા ગાંધી વણકર વીમા યોજના કરવામા આવ્યું હતું. બીજી તરફ ગાંધી શિલ્પ બજાર યોજના પણ માર્કેટ સાથે જોડાયેલી હસ્તશિલ્પ પ્રોત્સાહન યોજના છે. તેનો આશય ગ્રાહકો અને કારીગરોને સીધા એકબીજા સાથે જોડવાનો છે. આમ જોવા જઈએ તો આ રોજગાર આપવાની યોજના નથી પણ રોજગારી માટે મંચ પૂરું પાડવાની એક યોજના છે. તેમાં વચેટિયાઓના દુષણ વગર ગામડાં અને શહેરમાં વસતા હસ્તશિલ્પ કારીગરો સીધા જ પોતાનો માલસામાન વેચી શકે. કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. એકંદરે જોઈએ તો ગાંધીજીના નામે દેશમાં હજારો સ્કૂલ, સંસ્થાઓ, એનજીઓ અને બીજી કચેરીઓ ચાલે છે પણ ગાંધીજીના નામે ત્રણ જ યોજના ચાલુ છે તેમાંય મનરેગા એક જ યોજના છે જે માત્ર દેશમાં જ નહીં પણ દુનિયામાં પણ સૌથી મોટી યોજના ગણાય છે.
નિર્મલ ભારતનું નામ ‘સ્વચ્છ ભારત’ કરાતા રિ-બ્રાન્ડિંગનો ખર્ચ 530 કરોડ થયો હતો
જાણકારોના મતે સરકારો દ્વારા ગમે ત્યારે યોજનાઓના નામ ફેરવી કાઢવામાં આવે છે અને તેના કારણે તેના સુધારા અને કાયદેસરના દસ્તાવેજો કરવામાં, જાહેરાતો કરવામાં મોટાપાયે ખર્ચ આવતો હોય છે. જાણકારો માને છે કે, સરકારની કોઈપણ યોજના હોય તો તેને પ્રજા સુધી પહોંચાડવા માટે ટીવી, રેડિયો, અખબાર, હોર્ડિંગ્સ, વેબસાઈટ અને અન્ય માધ્યમોથી જાહેરાતો કરવામાં આવે છે. મનરેગાની જાહેરાતો પાછળ અત્યાર સુધીમાં યુપીએ અને એનડીએ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. હવે તેનું નામ બદલીને વીબી જી રામ જી કરવામાં આવશે એટલે તેના રી બ્રાન્ડિંગ માટે ફરીથી કરોડો રૂપિયાનું આંધણ કરવું પડશે. હાલમાં આ યોજનાના રી બ્રાન્ડિંગ માટે અંદાજે 400થી 500 કરોડ રૂપિયાનો ખર્ચ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, યુપીએ સરકાર દ્વારા નરેગા યોજના લાગુ કરાઈ હતી. ત્યારબાદ યુપીએના જ બીજા શાસનકાળમાં તેમાં મહાત્મા ગાંધી શબ્દ જોડવામાં આવ્યા. તેથી તેનું નામ મનરેગા કરવામાં આવ્યું.
આ યોજનામાં નામ દેખીતી રીતે બદલાયું હતું પણ સરકારે જૂના દસ્તાવેજો ચાલુ રાખીને તેમાં પાછળથી નવા દસ્તાવેજો જોડી દીધા હતા. તેમ છતાં બ્રાન્ડિંગ, બોર્ડ, સ્ટેમ્પ અને અમુક બાબતો બદલવી પડી હતી. તેના કારણે પણ કરોડો રૂપિયા ખર્ચાયા હતા. તેવી જ રીતે એનડીએ સરકાર દ્વારા 2014માં નિર્મલ ભારત અભિયાનનું નામ બદલીને સ્વચ્છ ભારત મિશન કરી દેવામાં આવ્યું હતું. 2014થી 2017 દરમિયાન આ યોજનાના રિબ્રાન્ડિંગમાં જ રૂ. 530 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.


