સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, કેજરીવાલ-સિસોદિયાએ ભાજપ સાધ્યું નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Jal Board Scam : દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કૌભાંડ મામલે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા થયેલી ધરપકડ બાદ રાજકીય માહોલ ભારે ગરમાયો છે. આ કાર્યવાહી સામે આમ આદમી પાર્ટી અને ભાજપના દિગ્ગજ નેતાઓ આમને-સામને આવી ગયા છે અને બંને પક્ષો વચ્ચે આકરા શાબ્દિક પ્રહારો શરૂ થયા છે.
આ કેસ પણ બોગસ સાબિત થશે : અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ જણાવ્યું કે, ‘સત્યેન્દ્ર જૈનની ભાજપે ફરીથી ધરપકડ કરાવી છે. થોડા સમય પહેલાં તેમને જેલમાં રાખીને જે હાલત કરવામાં આવી હતી તે સૌને યાદ છે. અગાઉનો કેસ પણ બોગસ હતો અને આ કેસ પણ ખોટો સાબિત થશે. ભાજપની આ સરમુખત્યારશાહી ક્યાં સુધી ચાલશે? જેને ઈચ્છા થાય તેના પર ખોટા આરોપો મૂકીને જેલમાં ધકેલી દેવાય છે. તેમનું જૂઠાણું ફરી દેશ સમક્ષ આવશે, પરંતુ જેલમાં વિતાવેલા સમય અને માનસિક ત્રાસની ભરપાઈ કોણ કરશે? ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે અને સમગ્ર પક્ષ સત્યેન્દ્ર જૈન સાથે મજબૂતીથી ઊભો છે.’
ચૂંટણી પહેલાં દબાણ ઊભું કરવાનો ભાજપનો પ્રયાસ: સંજય સિંહ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Singh) એ પ્રહાર કરતાં જણાવ્યું કે ‘સારું કામ કરતી કોઈપણ સરકારને અટકાવવી અને તેના પર દરેક રીતે દબાણ લાવવું એ ભાજપ સરકારની નીતિ રહી છે. દિલ્હી ચૂંટણી પહેલાં પણ મને, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જેનો એકમાત્ર હેતુ ચૂંટણીને પ્રભાવિત કરીને કોઈપણ ભોગે જીત મેળવવાનો હતો. હવે પંજાબની ચૂંટણી પહેલાં પણ ભાજપ આ જ જૂની રણનીતિ અપનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગભરાઈ ગયા છે અને તેમને સમજાતું નથી કે પંજાબમાં શું કરવું. પંજાબમાં પોતાની હાર ભાળી ગયેલી ભાજપ હવે આવાં હથકંડાઓ પર ઉતરી આવી છે.’
ચૂંટણી પહેલાં એજન્સીઓનો દુરુપયોગ : મનીષ સિસોદિયા
આપ નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia)એ પ્રહાર કરતાં કહ્યું કે, ‘પંજાબની ચૂંટણી પહેલાં પંજાબના સહ-પ્રભારી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે. પહેલાં પણ તેમને અઢી વર્ષ સુધી ખોટા કેસમાં જેલમાં રખાયા હતા અને હવે વધુ એક બોગસ કેસ કરવામાં આવ્યો છે. રામ મંદિર નિર્માણ ફંડ, ઈંધણ નીતિ અને યુવા આંદોલન જેવા મુદ્દાઓ પર ઘેરાયેલી ભાજપ હવે ફરીથી ED, ACB અને CBI જેવા જૂના રાજકીય હથિયારોનો ઉપયોગ કરવા લાગી છે.’
કેજરીવાલ પોતાની સરકારનો ગુનો સ્વીકારે : હર્ષ મલ્હોત્રા
દિલ્હી ભાજપના પ્રમુખ હર્ષ મલ્હોત્રા (Harsh Malhotra)એ પલટવાર કરતાં જણાવ્યું કે, ‘સત્યેન્દ્ર જૈનની ધરપકડે સ્પષ્ટ કરી દીધું છે કે, કેજરીવાલ સરકારના 10 વર્ષના શાસનમાં કોઈ પણ નાળા પર STP કેમ ન બન્યો અને યમુના કેમ વધુ પ્રદૂષિત થતી રહી. ACB તપાસમાં સંપૂર્ણ મની ટ્રેલ પકડાઈ ગઈ છે. કેજરીવાલ સામે આવે અને પોતાની સરકારનો ગુનો સ્વીકારે. કાયદાકીય પ્રક્રિયામાં સમય લાગશે પરંતુ સત્યેન્દ્ર જૈન સહિતના તમામ દોષિતોને સજા જરૂર થશે.’
જનતાના પૈસે ભ્રષ્ટાચાર કરાયો: વીરેન્દ્ર સચદેવા
દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા (Virendra Sachdeva)એ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘દિલ્હીને લૂંટનારાઓનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. ટેન્ડરમાં ગોટાળા અને કરોડો રૂપિયાની લાંચ એ જ આમ આદમી પાર્ટીનું 'ઈમાનદાર' મોડલ હતું. જે પાણી અને સ્વચ્છતાના નામે મતો માંગ્યા હતા, તેના પર જ કમિશનખોરી કરવામાં આવી. જનતા સત્ય જાણી ચૂકી છે અને હવે દરેક ગેરરીતિ માટે કેજરીવાલ જવાબદાર છે.’
ભાજપ આપથી ડરે છે : AAP નેતા અનુરાગ ઢાંડા
આ ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, 'હવે વધુ કેટલા પુરાવા જોઈએ કે ભાજપ આપથી ડરે છે. જે જલ બોર્ડ ટેન્ડરનો હવાલો આપવામાં આવી રહ્યો છે તે સમયે સત્યેન્દ્ર જૈન જેલમાં હતા, તો તેઓ જેલમાંથી કેવી રીતે જવાબદાર હોઈ શકે? આ કાર્યવાહીનું અસલી કારણ એ છે કે તેઓ પંજાબના સહ-પ્રભારી છે.'
શું છે દિલ્હી જલ બોર્ડ કૌભાંડનો સમગ્ર મામલો?
દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદના આધારે થયેલી તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન અને વિસ્તરણના ટેન્ડરમાં મોટા પાયે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. તપાસ મુજબ, ટેન્ડરની ટેકનિકલ શરતોમાં જાણીજોઈને એવા ફેરફાર કરાયા હતા જેથી માત્ર એક ખાસ ખાનગી કંપની યુરોટેક એન્વાયરન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડને જ સીધો લાભ મળી શકે. આ પ્રક્રિયામાં સ્પર્ધા ખતમ કરવામાં આવી, પ્રસ્તાવિત પાયલોટ સ્ટડી કરાવાયો નહોતો અને ટ્રીટેડ પાણીના જરૂરી માપદંડો પણ હટાવી દેવાયા હતા.
શું છે સમગ્ર ધરપકડનો મામલો?
દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન ટેન્ડરમાં ચોક્કસ ખાનગી કંપનીને ફાયદો કરાવવા અને 1.52 કરોડ રૂપિયાની કથિત લાંચના વ્યવહારો મામલે એન્ટી કરપ્શન બ્રાન્ચે સત્યેન્દ્ર જૈન, IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય, અંકિત શ્રીવાસ્તવ, નાગેન્દ્ર યાદવ, રાજા કુમાર કુર્રા અને પંકજ વર્મા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.









